
કચ્છ, 29 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક નિયંત્રણ લાવવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે આદિપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શીણાય વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.સી. વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવા સાથે સર્વેલન્સ ટીમ તથા સી-બીટ સ્ટાફ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે શીણાય વિસ્તાર પાસે શંકાસ્પદ વાહનોને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનોમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની મોટી સંખ્યામાં બોટલો મળી આવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરીને મીતરાજસિંહ કિરીટસિંહ જાડેજા અને નટુભાઈ પ્રહલાદભાઈ ઠાકોર નામના બે આરોપીઓને કાબૂમાં લીધા હતા. જ્યારે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા સુચિત અગ્રવાલ નામના વધુ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે ઝડપી પાડેલા મુદ્દામાલમાં બ્લેન્ડર પ્રાઈડ, સિગ્નેચર પ્રિમિયર ગ્રેઈન વ્હિસ્કી, સીમરન ઓફ મીન્ટી જામુન ફ્લેવર્ડ વોડકા, એવરગ્રીન રિઝર્વ અને મોબી વોડકા જેવી અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ બોટલોનો સમાવેશ થાય છે. ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા બે ચારચક્રી વાહનો અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યવાહીમાં આશરે ૮.૮૨ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આદિપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસની આ સફળ કામગીરીને કારણે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનું કડક અમલીકરણ કરવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી વધુ તેજ બનાવાશે તેવી માહિતી મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar