અંજારના સિનુગ્રાના ફાર્મ હાઉસમાં મધરાતે પોલીસનો દરોડો, જુગાર ક્લબમાંથી 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 29 મે (હિ.સ.) : અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર પોલીસે મધરાતે ફિલ્મી અંદાજમાં દરોડો પાડી ધાણી પાસાની જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન ક્લબ સંચાલક સહિત કુલ 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ફાર્મ હાઉસમાં દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓ


કચ્છ, 29 મે (હિ.સ.) : અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર પોલીસે મધરાતે ફિલ્મી અંદાજમાં દરોડો પાડી ધાણી પાસાની જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન ક્લબ સંચાલક સહિત કુલ 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી લાખો રૂપિયાની રોકડ રકમ, મોંઘીદાટ કારો, મોબાઈલ ફોન તેમજ દારૂની બોટલ મળી કુલ ૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ આદિપુર વિસ્તારમાં રહેતો ભીમજી વાલજી વાણિયા પોતાના ફાર્મ હાઉસમાં બહારગામથી લોકોને બોલાવી ધાણી પાસાની જુગાર રમાડતો હતો અને દરેક ખેલીએ પાસેથી નક્કી રકમ ઉઘરાવી જુગાર ક્લબ ચલાવતો હતો. બાતમીની પુષ્ટિ થયા બાદ અંજાર પોલીસની ટીમે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મધરાતે આશરે બે વાગ્યે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.

પોલીસ ટીમ ફાર્મ હાઉસમાં પહોંચી ત્યારે સ્વિમિંગ પુલ નજીક ગોળાકારે બેઠેલા લોકો ધાણી પાસાની રમતમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર લોકોને કાબૂમાં લઈ તપાસ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન ભીમજી વાણિયાએ પોતે ફાર્મ હાઉસનો માલિક હોવાનું સ્વીકાર્યું હતું. તેની ખુરશીની નીચેથી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા, જેની ગણતરી કરતાં લાખો રૂપિયાની રોકડ બહાર આવી હતી. તેની પાસેમાંથી મોંઘો મોબાઈલ ફોન અને લક્ઝરી કારની ચાવી પણ મળી આવી હતી.

આગળની તપાસમાં અન્ય ખેલીઓ પાસેથી પણ મોટી માત્રામાં રોકડ રકમ, મોંઘા મોબાઈલ ફોન અને વાહનો મળી આવ્યા હતા. કેટલાક લોકો પાસે આઈફોન સહિતના મોંઘા મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જ્યારે એક ખેલીએ દારૂનું સેવન કરેલું હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ કબજે કરી દારૂબંધી હેઠળ અલગ ગુનો પણ નોંધ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે રમતમાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા હતા. સ્થળ પરથી ધાણી પાસાની જોડી, ગ્લાસ, પ્લાસ્ટિક પાઈપ અને અન્ય સામાન મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ ઉપરાંત ચાર મોંઘીદાટ કારો અને કુલ ૧૪ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.

આ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીઆઈ એચ. એ. જાડેજા અને પીએસઆઈ એસ. જી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સફળ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક સ્તરે આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande