
કચ્છ, 29 મે (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહીબીશનની બદી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ વોંધ ગામની મહારાષ્ટ્ર કોલોની પાસેથી ખારી તરફ જતા રસ્તા નજીક બાવળની ઝાડીમાં એક વ્યક્તિ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
બાતમીને આધારે ભચાઉ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાવળની ઝાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી “ઓલ સીઝન ગોલ્ડન ડિલક્સ રિઝર્વ વ્હિસ્કી”ના 180 એમ.એલ.ના કુલ 80 નંગ ક્વાર્ટર કબ્જે કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજે રૂપિયા 12 હજાર જેટલી હોવાનું સામે આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અકબર ફકીરમામદ ખલીફા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વોંધ ગામની મહારાષ્ટ્ર કોલોની વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભચાઉ વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેપાર અને સંગ્રહને રોકવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના આ પ્રકારના ઓપરેશનથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar