કોઠ ગામમાં બાલિકા પંચાયતની દીકરીઓ માટેની વિશેષ તાલીમમાં નેતૃત્વ અને સશકતીકરણના પાઠ ભણાવાયા
અમદાવાદ, 29 મે (હિ.સ.) : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ- હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજનાની ટીમ દ્વારા ધોળકા તાલુકાના કોઠ ગામ ખાતે એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ઘટક-2માં સમાવિષ્ટ વિ
કોઠ ગામમાં બાલિકા પંચાયતની દીકરીઓ માટેની વિશેષ તાલીમ


અમદાવાદ, 29 મે (હિ.સ.) : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ- હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજનાની ટીમ દ્વારા ધોળકા તાલુકાના કોઠ ગામ ખાતે એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.

આ અંતર્ગત ઘટક-2માં સમાવિષ્ટ વિવિધ ગામોની બાલિકા પંચાયતની સરપંચ તથા ઉપસરપંચ પદ પર નિયુક્ત દીકરીઓ માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે દીકરીઓ નેતૃત્વના ગુણો કેળવીને સમાજમાં અને ગામના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે તે માટે તેમને સજ્જ કરવાનો રહ્યો હતો.

આ વિશેષ તાલીમ સત્ર દરમિયાન ઉપસ્થિત બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓને લોકશાહીની પાયાની પ્રક્રિયા, વહીવટી તંત્ર, નેતૃત્વ કૌશલ્ય તેમજ બંધારણીય હક્કો અને જવાબદારીઓ વિશે વિગતવાર અને રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સાથે જ ગામના સર્વાંગી વિકાસમાં અને ગ્રામીણ પ્રશ્નોના નિરાકરણમાં બાલિકાઓ પોતાની ભૂમિકા કેવી રીતે અસરકારક બનાવી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તાલીમ દરમિયાન દીકરીઓમાં આત્મવિશ્વાસ, તાર્કિક વિચારસરણી અને યોગ્ય નિર્ણયક્ષમતાનો આત્મસાત થાય તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને રમતો પણ રમાડવામાં આવી હતી, જેમાં દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ નવતર અને સરાહનીય તાલીમ કાર્યક્રમના માધ્યમથી કિશોરીઓ અને બાલિકાઓમાં શિક્ષણ, ઉત્કૃષ્ટ આરોગ્ય, પોષણ અને આર્થિક સ્વાવલંબન અંગેની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે તેવો દ્રઢ વિશ્વાસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પ્રકારની તાલીમથી સજ્જ થઈને બાલિકા પંચાયતની આ યુવા નેતાઓ આગામી સમયમાં પોતાના ગામના વિકાસ કાર્યોમાં વધુ સક્રિય, સજાગ અને સક્ષમ ભૂમિકા ભજવશે, જે ગ્રામીણ ભારતની એક નવી અને સકારાત્મક તસવીર ઊભી કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande