જામનગર જિલ્લા જેલ ખાતે કેદીઓના પરિવારોને મફત કાનૂની માર્ગદર્શન માટે 'લીગલ એઈડ હેલ્પ ડેસ્ક'નો શુભારંભ
જામનગર, 29 મે (હિ.સ.) : જામનગર જિલ્લા જેલના મુલાકાતી વિસ્તારમાં ''લીગલ એઈડ હેલ્પ ડેસ્ક'' (કાનૂની સહાયતા કેન્દ્ર) નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજશ એન.આર.જોશીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના સ
લીગલ એઇડ હેલ્પ ડેસ્ક નો પ્રારંભ


જામનગર, 29 મે (હિ.સ.) : જામનગર જિલ્લા જેલના મુલાકાતી વિસ્તારમાં 'લીગલ એઈડ હેલ્પ ડેસ્ક' (કાનૂની સહાયતા કેન્દ્ર) નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજશ એન.આર.જોશીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના સચિવ એ.એમ.શુકલના હસ્તે આ વિશેષ સહાયતા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ન્યાયની પ્રક્રિયાને સામાન્ય નાગરિકો અને વંચિતો માટે વધુ સુલભ બનાવવાના ઉમદા હેતુ સાથે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના 'મુલાકાત સે ન્યાય તક' અભિયાન અંતર્ગત, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જેલ સત્તાધીશો સાથે સઘન વિચાર-વિમર્શ કર્યા બાદ જેલ પરિસરના મુલાકાતી એરિયામાં આ નવતર પહેલ આકાર પામી છે.

આ કાનૂની સહાયતા કેન્દ્ર ખાતે મુલાકાતના નિયત સમય અને દિવસો દરમિયાન પેરા લીગલ વોલન્ટીયર્સ, જેલ વિઝીટ લોયર્સ અને પેનલ વકીલો સતત સેવારત રહેશે. તેઓ જેલના સ્થાનીક સ્ટાફ અને જેલ સત્તાધીશોના સંકલનમાં રહીને, જેલ બંદીવાનોને મળવા આવતા તેમના સગા-વહાલાઓ અને વાલીઓને પ્રાથમિક કાનૂની માહિતી, બંધારણીય અધિકારો, પડતર કેસના સ્ટેટસને લગતી વિગતો તેમજ અન્ય કાયદાકીય બાબતો અંગે સંપૂર્ણપણે નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડશે.

આ હેલ્પ ડેસ્ક કાર્યરત થવાથી જેલમાં સજા કાપી રહેલા કેદીઓના પરિવારજનોની કાયદાકીય મૂંઝવણોનો ઘરઆંગણે જ સુખદ ઉકેલ આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના સચિવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેલના કેદીઓ અને તેમના સગા-સંબંધિઓ આ નિઃશુલ્ક સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande