પનઘટ કલા કેન્દ્રના દ્વિ-દિવસીય 'પનઘટ પર્વ'નું ભવ્ય સફળતાપૂર્વક સમાપન
- 250 જેટલા બાળ કલાકારો દ્વારા નૃત્ય નાટિકા ''કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્''નું મંચન : પ્રેક્ષકો મંત્રમુગ્ધ ગાંધીનગર, 29 મે (હિ.સ.) : ગાંધીનગરની સાંસ્કૃતિક સંસ્થા - પનઘટ કલા કેન્દ્રએ સાંસ્કૃતિક સંરક્ષણ, કલાકારોને તાલીમ અને સ્પર્ધાત્મક શ્રેષ્ઠતાથી ગાં
પનઘટ પર્વ


પનઘટ પર્વ


- 250 જેટલા બાળ કલાકારો દ્વારા નૃત્ય નાટિકા 'કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્'નું મંચન : પ્રેક્ષકો મંત્રમુગ્ધ

ગાંધીનગર, 29 મે (હિ.સ.) : ગાંધીનગરની સાંસ્કૃતિક સંસ્થા - પનઘટ કલા કેન્દ્રએ સાંસ્કૃતિક સંરક્ષણ, કલાકારોને તાલીમ અને સ્પર્ધાત્મક શ્રેષ્ઠતાથી ગાંધીનગરને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ ઓળખ આપી છે. પનઘટ કલા કેન્દ્રની સ્થાપનાના 25 વર્ષની પૂર્ણતાના પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ગાંધીનગરમાં યોજાયેલા દ્વિ-દિવસીય 'પનઘટ પર્વ'નું ભવ્ય સફળતાપૂર્વક સમાપન થયું છે.

'પનઘટ પર્વ'ના બીજા દિવસે ગાંધીનગરમાં કલા, નાટ્ય, સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપનાર નાટ્યકલાને સમર્પિત પ્રતિભાશાળી અભિનેતા, દિગ્દર્શક, બાળનાટ્ય લેખક અને સાહિત્યકાર પ્રકાશ લાલા, શિક્ષણ અને લોકકલાના ઉપાસક, પ્રખર કલાકાર અને 55 વર્ષથી લોકનૃત્યો અને ગરબાના મૂળ સ્વરૂપને જીવંત રાખવા પ્રયત્નશીલ વરિષ્ઠ કોરિયોગ્રાફર જગતસિંહ આર. ઝાલા, રાસ-ગરબા, લોકનત્ય, ગીત-સંગીત, નાટ્ય અને સામાજિક સેવા ક્ષેત્રને સમર્પિત આશાબેન જયરાજસિંહ સરવૈયા અને ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી સંગીતકાર, ગાયક, મ્યુઝિક થેરપીસ્ટ અને આયુર્વેદાચાર્ય ડૉ. કેદાર ઉપાધ્યાયને 'ગાંધીનગર રત્ન' એવોર્ડથી વિભૂષિત કરાયા હતા. ગુજરાતના વરિષ્ઠ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે આ મહાનુભાવોને 'નગર રત્ન' એવોર્ડ અર્પણ કરાયા હતા. આ અવસરે ગાંધીનગરના લોકપ્રિય ધારાસભ્ય રીટાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પનઘટ કલા કેન્દ્રના રજતજયંતી મહોત્સવ-'પનઘટ પર્વ'ના બીજા દિવસે આબલા ભાવનગરના વાકિયા હનુમાનજી મંદિર આશ્રમના રઘુનંદન બાપુ 'પનઘટ'ની પ્રવૃત્તિઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા. લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'પનઘટ'ના કલાગુરુ ભાવિન પટેલ અને 'પનઘટ'ની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. 'પનઘટ'ના 25 વર્ષના પરિશ્રમની તેમણે પ્રશંસા કરી હતી.

ગાંધીનગર (ઉત્તર)ના લોકપ્રિય ધારાસભ્ય રીટાબેન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, કલાના જતન અને સંવર્ધન માટે પનઘટ કલા કેન્દ્રએ ખૂબ મહેનત કરી છે. એટલું જ નહીં, ગુણવત્તાની જાળવણીથી 'પનઘટે' ન માત્ર સ્પર્ધાત્મક ક્ષેત્રમાં, પરંતુ અન્ય પરફોર્મન્સમાં પણ શિરમોર સ્થાન હાંસલ કર્યું છે. ગાંધીનગરને ગૌરવ અપાવનાર ભાવિન પટેલને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. ચેતનભાઇ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમી ના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હેમા મંથન ભટ્ટ, બાગાયત સમિતિના અધ્યક્ષ સોનાલી ઉરેન પટેલ પણ પનઘટ કલા કેન્દ્ર અને કલાગુરુ ભાવિન પટેલની ઉપલબ્ધિઓને ઉત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.

'પનઘટ પર્વ'ના સમાપનમાં નૃત્ય નાટિકા 'કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્'નું મંચન થયું હતું. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં 250 થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વેકેશન દરમિયાન પનઘટ દ્વારા બાળકો માટે નાટ્ય અને નૃત્યની વિના મૂલ્યે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પનઘટના કલાકારો અને જાણીતા અભિનેત્રી શિલ્પાબેન ઠાકર દ્વારા તાલીમ પામેલા આ બાળ કલાકારોએ 'કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્'નું અવિસ્મરણીય પરફોર્મન્સ કર્યું હતું. બાળકોએ જે પરફેક્શન, તાલમેલ, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ સાથે કળાનું પ્રદર્શન કર્યું તેનાથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બે દિવસ દરમિયાન હજારો પ્રેક્ષકો 'પનઘટ પર્વ' માણવા ગાંધીનગર ટાઉનહોલ પધાર્યા હતા. પનઘટ કલા કેન્દ્રના કલાગુરુ ભાવિન પટેલે ગાંધીનગરના નાગરિકો અને તમામ કલાકારો-કસબીઓનો ભાવપૂર્વક આભાર માન્યો હતો. એટલું જ નહીં, આગામી વર્ષોમાં પણ 'પનઘટ' આવી જ પ્રતિબદ્ધતા અને પુરુષાર્થથી રાસ-ગરબા અને લોકનૃત્ય ક્ષેત્રે ગાંધીનગરને ગૌરવ અપાવવા પ્રયત્નશીલ રહેશે એવી ખાતરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande