
સુરત, 29 મે (હિ.સ.) શહેરના પોશ વિસ્તાર મોટા વરાછામાં માત્ર મહિલાઓ માટે ચાલતી એક હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી 7 મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી છે.પોલીસને મળેલી ગુપ્ત બાતમી મુજબ મોટા વરાછા સ્થિત સેન્ટોસા હાઈટ્સ બિલ્ડિંગના બી-બ્લોકના ફ્લેટ નંબર 202માં એક મહિલા અન્ય મહિલાઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતી હતી. બાતમીના આધારે ઉત્રાણ પોલીસે મહિલા પોલીસ સ્ટાફ સાથે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો.
પોલીસ ફ્લેટમાં પ્રવેશી ત્યારે ફ્લેટ માલિક કિશોર જુલાસણાની પત્ની રેખા જુલાસણા સહિત કુલ 7 મહિલાઓ એસી રૂમમાં બેસીને ગંજીપાના પત્તા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહી હતી. પોલીસને જોઈ મહિલાઓમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ મહિલા પોલીસ કર્મચારીઓએ તમામને સ્થળ પર જ ઝડપી લીધી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઝડપાયેલી મહિલાઓ હાલ સુરતના વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ મૂળ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓની વતની છે.
પોલીસે જુગારના દાવમાંથી 20,430 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી. ઉપરાંત 21,000 રૂપિયાની કિંમતના 5 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તેમજ ગંજીપાના પત્તા સહિત કુલ 45,430 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઉત્રાણ પોલીસે તમામ સાત મહિલાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોશ રહેણાંક સોસાયટીમાં મહિલાઓનું જુગારધામ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે