પોરબંદરમાં ડીઝલના સંકટ થી રાહત
પોરબંદર, 29 મે (હિ.સ.) : પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા ડીઝલ સંકટમાં હવે નોંધપાત્ર રાહત જોવા મળી રહી છે. પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનતા વાહનચાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ ખે
પોરબંદરમાં ડીઝલના સંકટ થી રાહત


પોરબંદર, 29 મે (હિ.સ.) : પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા ડીઝલ સંકટમાં હવે નોંધપાત્ર રાહત જોવા મળી રહી છે. પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનતા વાહનચાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા સુધી પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે લાંબી કતારો લાગતી હતી, જ્યારે હવે મોટા ભાગના પંપો પર સ્થિતિ સામાન્ય બની ગઈ છે. અને લોકો સરળતાથી ડીઝલ મેળવી રહ્યા છે.

ડીઝલ પુરવઠો ખોરવાતા પોરબંદરના અનેક પેટ્રોલ પંપો પર દિવસ-રાત વાહનોની લાંબી લાઈનો જોવા મળતી હતી. ખાસ કરીને ટ્રક ચાલકો, ખાનગી વાહનચાલકો અને ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાની વારમાં ડીઝલ મેળવવું પડતું હતું. કેટલીક જગ્યાએ તો ડીઝલનો જથ્થો મર્યાદિત હોવાને કારણે લોકોમાં ચિંતા અને અશાંતિનો માહોલ પણ સર્જાયો હતો. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પૂર્વે ખેતીકામની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હોવાથી ખેડૂતો માટે ડીઝલ અત્યંત જરૂરી બન્યું હતું. ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય કૃષિ સાધનો ચલાવવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં બેરલ અને કેરબા લઈને પેટ્રોલ પંપો પર પહોંચતા હતા. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના પંપો પર પણ ભારે ભીડ જોવા મળી હતી.

ખેડૂતોનું કહેવું હતું કે ડીઝલની અછત લાંબા સમય સુધી રહે તો ખેતીકામ પર સીધી અસર પડી શકે તેમ હતી. પરંતુ હવે ડીઝલ પુરવઠામાં સુધારો થતા સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જઈ રહી છે. પેટ્રોલ પંપો પર પૂરતો જથ્થો પહોંચતા લાંબી કતારો ગાયબ થઈ ગઈ છે અને વાહનચાલકોને પણ રાહત મળી છે. અનેક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, તેમાંથી હવે મુક્તિ મળી રહી છે. ડીઝલ પુરવઠો ફરી નિયમિત બનતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેપારીઓ અને વાહનચાલકોનું માનવું છે કે આગામી દિવસોમાં પુરવઠો સતત યથાવત રહેશે તો સામાન્ય જનજીવન અને ખેતીકામ બંને પર સકારાત્મક અસર પડશે. હાલ માટે પોરબંદરમાં ડીઝલ સંકટ હળવું બનતા લોકોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande