
ભાવનગર, 29 મે (હિ.સ.) : પશ્ચિમ રેલવે અમદાવાદની સર્વે અને નિર્માણ સંસ્થાએ સરખેજ-ધોળેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટના અમલીકરણ વિષયક રસ ધરાવતા બિડર્સ સાથે મુખ્ય પ્રશાસનિક અધિકારી કચેરી સ્થિત કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર કમલેશ કુમાર, ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આર.ડી. મીના, ડેપ્યુટી CSTE રતન બાસુ તેમજ નિર્માણ વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકની શરૂઆતમાં પ્રશાંત સિંહ, ડેપ્યુટી ચીફ એન્જિનિયરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. પ્રોજેક્ટની નિર્માણ ટેન્ડરમાં રસ ધરાવતી સિવિલ, ઇલેક્ટ્રિકલ તથા S&T (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન) ક્ષેત્રની 20થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં લાર્સન એન્ડ ટૂબ્રો, અફકોન્સ ઇન્ફ્રા, KPTL, HOG પ્રોજેક્ટ, મિરાલ ઇન્ફ્રા, ખોડલ કોર્પોરેશન, ગંગા કન્સ્ટ્રક્શન, નીલકંઠ ઇન્ફ્રા, સુભાષ ઇન્ફ્રા વગેરે કંપનીઓના પ્રતિનિધિઓએ પ્રોજેક્ટના વધુ સારા અમલીકરણ માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન પ્રોજેક્ટના અમલીકરણ, પેકેજિંગ અને ટેકનિકલ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સિવિલ, ટ્રેક, ટ્રેક્શન અને S&Tના ટેન્ડર તેમજ ઇન્ટરફેસ કાર્યો, ડિઝાઇન ડિટેલ્સ અને કોન્ટ્રાક્ટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઉપરાંત અનેક કંપનીઓએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય હેતુ પ્રોજેક્ટનું સફળ અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવો છે. રસ ધરાવતા બિડર્સના સૂચનો પર વિચારણા કર્યા બાદ પ્રોજેક્ટના અમલીકરણ માટે EPC ટેન્ડર ફ્લોટ કરવામાં આવશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આગામી ધોળેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તથા લોથલ સ્થિત નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક અને ઓપરેશનલ ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. કોરિડોર પર કુલ 11 સ્ટેશનો વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટ અંતર્ગત 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર લાંબા વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે. આગામી 4 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો દોડાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી મજબૂત બનાવવો અને ભારતની લોજિસ્ટિક કાર્યક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો છે. આ કોરિડોર ગુજરાતને આધુનિક, હરિત અને ઉચ્ચ ગતિવાળી પરિવહન અવસરોના નવા યુગમાં પ્રવેશ કરાવતી ઐતિહાસિક પહેલ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ