
ભાવનગર, 29 મે (હિ.સ.) : ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં પરિવારિક કલહે કરૂણ વળાંક લેતા એક જમાઈએ પોતાના જ સસરાની ઈંટ વડે હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતક ગોરધનભાઈ પોતાના પરિવાર સાથે ચિત્રાની બેંક કોલોનીમાં રહેતા હતા. તેમની દીકરી અને જમાઈ પણ તેમના જ ઘરે રહેતા હતા. જમાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. જોકે, તેઓ નિયમિત રીતે કામે જતા ન હોવાથી સસરા ગોરધનભાઈ વારંવાર તેમને સમજાવતા અને ઠપકો આપતા હતા. આ બાબતે ઘરમાં અવારનવાર બોલાચાલી થતી હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સવારે પણ કામ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધતી ગઈ કે ઉશ્કેરાયેલા જમાઈએ નજીકમાં પડેલી ઈંટ ઉઠાવી ગોરધનભાઈના માથાના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો. હુમલામાં ગોરધનભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરિવારજનો અને સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. DYSP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ આરોપી જમાઈને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કરૂણ ઘટનાએ પરિવારિક સંબંધોમાં વધતા તણાવ અને ગુસ્સાના ભયાનક પરિણામો સામે ફરી એકવાર ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA