
બોટાદ, 29 મે (હિ.સ.)બોટાદ જિલ્લામાં રાજ્ય સરકારના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી માલિકોને પરત આપવાની કામગીરી સફળતાપૂર્વક આગળ વધી રહી છે. આ અભિયાન અંતર્ગત બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમે ચાર અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી તેમને પરત આપતા નાગરિકોમાં ખુશીની લાગણી વ્યાપી છે.
રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર ભાવનગર રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર સોલંકી તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પાવરા ના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સરકારના C.E.I.R. પોર્ટલની મદદથી બોટાદ ટાઉન, બોટાદ રૂરલ, બરવાળા તેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ખોવાયેલા અલગ અલગ કંપનીના કુલ ચાર મોબાઈલ ફોનની માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ રૂ. ૭૦ હજારની કિંમતના મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા. બાદમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત તમામ મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના ખોવાયેલા મોબાઈલ પરત મળતા અરજદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યુવરાજ સોનગરા તથા હેડ કોન્સ્ટેબલ હસમુખ જાદવિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બોટાદ પોલીસની આ કામગીરીને નાગરિકોમાંથી પ્રશંસા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA