
અમદાવાદ,29 મે (હિ.સ.) અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી તથ્ય પટેલના કાયમી જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીનના ભાગરૂપે 1 કરોડની રકમ જામીન બોન્ડ તરીકે ટ્રાયલ કોર્ટમાં 15 દિવસની અંદર જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ એક કરોડની રકમ અકસ્માતમાં ભોગ બનનારના પરિવારજનોને વળતર પેટે સરખે હિસ્સે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે પોતાની સહમતિ દર્શાવી હતી.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. આ સંદર્ભનો લેખિત હુકમ કરતા પહેલા સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને બોનાફાઈડ બતાવવા માટે અમુક રકમ ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવા કહ્યું હતું. જેના જવાબમાં તથ્ય પટેલના વકીલે ગુજરાત સરકાર વતી રજૂઆત કરતા સરકારી વકીલને અભિપ્રાય આપવા કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો.
ગુજરાત સરકારના વકીલે પ્રતિ મૃતક વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયાની રકમ જણાવી હતી. જેમાં તુરંત જ તથ્યના વકીલ સહમત થયા હતા. આખરે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને ટ્રાયલ કોર્ટ સમક્ષ 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એક લમ્પસમ રકમ છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માતની ગંભીરતાને જોતાં અગાઉ અમદાવાદની ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની જામીન અરજીઓ વારંવાર નામંજૂર કરી હતી. ગુનાની ભયાનકતા અને સમાજ પર તેની અસરને ધ્યાને રાખીને કાયદાકીય રાહત આપવામાં આવી નહોતી. પરંતુ હવે ઘટનાના 2 વર્ષ અને 10 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાંથી તેને કાયમી જામીન મળ્યા છે, જેના કારણે આ કેસ ફરી એકવાર દેશ અને રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
તથ્ય પટેલ સામે અકસ્માતની ઘટનાના માત્ર 7 દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની સામે વર્તમાનમાં ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઘટનાના આંખો દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ છે. કુલ 191 જેટલા સાહેદ આ કેસમાં છે.
સુપ્રીમે નોંધ્યું હતું કે, તથ્ય ઉપર IPC 304 ની કલમ લાગી છે, પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી. તથ્ય પટેલે લગભગ 2 વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા છે.
અમદાવાદના સાબરમતી આરટીઓ દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં.
તથ્ય પટેલ સામે પોલીસે ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPCની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ