

પોરબંદર, 29 મે (હિ.સ.)દેશની વસ્તી ગણતરીની પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી વધુ સરળ બની રહી છે. વસ્તી ગણતરી 2026 ના પ્રથમ ફેઝ એટલે કે ‘હાઉસ લિસ્ટિંગ’ (મકાનોની યાદી તૈયાર કરવી) ની કામગીરી આગામી 1લી જૂનથી સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે શરૂ થઈ રહી છે. જો કે, આ વખતે નાગરિકોની સુવિધા માટે સરકાર દ્વારા એક વિશેષ પહેલરૂપે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) ની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ સંદર્ભે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને આ ડિજિટલ પ્રક્રિયામાં સક્રિયપણે સ્વ-ગણતરી કરવા અપીલ કરી છે.કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો પોતાના ઘરે બેઠા જ અત્યંત સરળતાથી ઓનલાઈન માધ્યમ દ્વારા પોતાના પરિવારની વિગતો સબમિટ કરી શકે તે માટે આ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ઓનલાઈન સ્વ-ગણતરી કરવાની સુવિધા આગામી 31મી મે, 2026સુધી ચાલુ રહેશે. વસ્તી ગણતરીની સત્તાવાર વેબસાઈટ se.census.gov.in પર જઈને નાગરિકો પોતાના ઘરની વિગતો નોંધી શકશે. આ પોર્ટલ પર દર્શાવેલા પ્રશ્નોના જવાબો માત્ર રેડિયો બટન (વિકલ્પો) પરથી સિલેક્ટ કરીને જ આપવાના હોવાથી આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે,જે નાગરિકોનો કિંમતી સમય બચાવશે. કલેક્ટર એસ. ડી. ધાનાણી પોતે પણ આ ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરીને જિલ્લાના તમામ નાગરિકો સમયસર આ ઓનલાઈન પ્રક્રિયાનો લાભ લે અને સ્વ-ગણતરી કાર્યક્રમને સો ટકા સફળ બનાવે તેવી તેમણે અપીલ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya