જામનગરના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરીના બે બનાવો
જામનગર, 29 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. પ્રથમ બનાવ લાલપુર પોલીસ સ્ટેશન
પોલીસ ચોરી ફરિયાદ


જામનગર, 29 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે.

પ્રથમ બનાવ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાયડી ગામની સીમમાં નોંધાયો છે. વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીની અલગ અલગ ચાર પવનચક્કીઓના ટ્રાન્સફોર્મર ઉપરથી અંદર જતા અર્થિંગના કોપર કેબલ વાયર કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કંપની તરફથી ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ કરશનભાઈ નાથાભાઈ પાથરે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ કુલ 92 મીટર કોપર વાયર, જેની અંદાજિત કિંમત રૂપિયા 55,200 થાય છે, તે ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજો બનાવ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધુનધોરાજી ગામ નજીક અશાબાપીરની દરગાહ પાસે આવેલી વીન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી ફોરેવર પ્રા. લિમિટેડ કંપનીની પવનચક્કીઓ ખાતે બન્યો હતો. કંપનીની ત્રણ અલગ અલગ પવનચક્કીઓના ટ્રાન્સફોર્મરના બહારના ભાગેથી તળીયા તરફ જતો લીલા કલરના કવરવાળો કોપર અર્થિંગ વાયર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કુલ 54 મીટર કોપર વાયર, જેની કિંમત અંદાજે રૂપિયા 32,400 થાય છે, તે ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો. આ બંને બનાવોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી પોલીસે અજાણ્યા ચોર ઇસમોને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande