
વલસાડ,29 મે (હિ.સ.) વલસાડમાં યુ.કે.માં નોકરી અને વર્ક વિઝા અપાવવાની લાલચ આપી એક મહિલાની સાથે રૂ. 10 લાખની છેતરપિંડી કરવામાં આવ્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં વલસાડ સિટી પોલીસે અગાઉ મુખ્ય આરોપી ગુલામની ધરપકડ કર્યા બાદ હવે ‘અલોરા ઇમિગ્રેશન’ અને ‘એ ફિટનેસ’ની મહિલા પ્રોપ્રાઇટર તબસુમ અબ્દુલ પઠાણની પણ ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદ મુજબ, વલસાડના ધનોરી હોડિયાવાડ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોનલબેન પટેલ યુ.કે. જઈ નોકરી કરવા ઇચ્છતા હતા. તેમના એક ફેસબુક મિત્રએ તેમને અબ્રામા-ધરમપુર રોડ પર આવેલી શિવમ ઇન્ફિનિટી ખાતે ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ ગુલામનો સંપર્ક કરાવ્યો હતો. આરોપીએ યુ.કે. વર્ક વિઝા માટે કુલ રૂ. 20 લાખ ખર્ચ થવાનો હોવાનું જણાવી શરૂઆતમાં રૂ. 10 લાખ એડવાન્સ રકમ માંગેલી હતી.આરોપીએ વિઝિટ વિઝા અને બાદમાં વર્ક વિઝા અપાવવાના બહાને સોનલબેન પાસેથી અલગ-અલગ હપ્તામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. જેમાં ‘અલોરા ઇમિગ્રેશન’ અને ‘એ ફિટનેસ’ના બેંક ખાતાઓમાં કુલ રૂ. 10 લાખ જમા કરાવવામાં આવ્યા હતા. મુંબઈમાં ઇન્ટરવ્યૂ કરાવ્યા બાદ વિઝા પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવી વધુ વિશ્વાસ અપાયો હતો.જોકે લાંબો સમય વીતી જવા છતાં સોનલબેનને ન તો વિઝા મળ્યા અને ન તો તેમની રકમ પરત મળી. રૂપિયા પરત માંગતા આરોપી વારંવાર બહાનાં બનાવતો રહ્યો અને અંતે સંપર્ક ટાળવા લાગ્યો હતો. છેતરપિંડીની જાણ થતાં સોનલબેને વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે BNS કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રકમ જે ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી તે તબસુમ અબ્દુલ પઠાણના હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસના PSI અનિરુદ્ધસિંહ ગોહિલ અને તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha