
ગાંધીનગર,29 મે (હિ.સ.) નવા સચિવાલય ખાતે આજે સવારે ઇલેક્ટ્રિક સ્પાર્કિંગની ઘટના બનતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.પ્રાથમિક માહિતી મુજબ નવા સચિવાલયના બ્લોક-13ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક પ્લગ પોઇન્ટમાં અચાનક સ્પાર્કિંગ થયું હતું. ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે બ્લોક નંબર 8થી 14 સુધીના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું અને સરકારી કામકાજ પર સીધી અસર જોવા મળી હતી. આ ઘટનામાં બે કર્મચારી ઇજાગ્રસ્ત થતા બંનેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઘટનાના પગલે સચિવાલયમાં હાજર કર્મચારીઓ, અધિકારીઓ તેમજ કામસર આવેલા અરજદારોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. વીજ પુરવઠો બંધ થતાં અનેક વિભાગોમાં કમ્પ્યુટર, સર્વર અને ઓનલાઈન સિસ્ટમો બંધ થઈ ગઈ હતી. પરિણામે ફાઇલ વર્ક, ઓનલાઈન મંજૂરી પ્રક્રિયા અને જનસેવા સંબંધિત કામગીરી ખોરવાઈ ગઈ હતી. અનેક કચેરીઓમાં કામકાજ લગભગ ઠપ જેવી સ્થિતિમાં પહોંચી ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ