રાજકોટના સોની બજાર વિસ્તારમાં બોમ્બની જેમ 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક કિમી દૂર સુધી ધુમાડો દેખાયો
રાજકોટ, 29 મે (હિ.સ.) : ઉનાળાના ગરમીને કારણે આગ લાગવાના બનાવ વધી ગયા છે ત્યારે રાજકોટની સોની બજારમાં ગતરાત્રિના સમયે વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ કારખા
રાજકોટના સોની બજાર વિસ્તારમાં બોમ્બની જેમ 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક કિમી દૂર સુધી ધુમાડો દેખાયો


રાજકોટ, 29 મે (હિ.સ.) : ઉનાળાના ગરમીને કારણે આગ લાગવાના બનાવ વધી ગયા છે ત્યારે રાજકોટની સોની બજારમાં ગતરાત્રિના સમયે વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ કારખાનામાં રાખેલા ગેસના સિલિન્ડરોમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો ભયાનક હતો કે જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો.

જુના રાજકોટની સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જોકે, ફાયર ફાઈટરોએ મહામહેનતે પહોંચીને સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ગઈકાલે ઈદની રજા હોવાના કારણે કારખાનામાં કોઈ કારીગર હાજર ન હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં સ્થિત 'દિયા ગોલ્ડ પોલિશિંગ' નામના સોનાના દાગીના પોલિશ કરવાના કારખાનામાં 28 મેની મોડીરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના કાળા ગોટેગોટા આશરે 1 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.

આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારખાનામાં રાખેલા ગેસ સિલિન્ડર એકપછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના સાંકડી ગલીઓ હોવાના કારણે આગ કાબૂમાં લેતા 3 કલાકથી વધુ સમય લાગ્યો.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમ, 'એ' ડિવિઝન પોલીસ કાફલો, પીજીવીસીએલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પીજીવીસીએલ દ્વારા સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.

પોલીસે સાંકડી ગલીઓમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી હતી, જેથી ફાયરના વાહનો આવી શકે. સોની બજાર જૂના રાજકોટ વિસ્તારમાં આવેલી હોવાથી અને તેની શેરીઓ અત્યંત સાંકડી હોવાના કારણે ફાયર ફાઈટરોને અંદર પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, જે જગ્યા પર આગ લાગી ત્યાં સૌથી પહેલા એસીના કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થયું હતું.

સોનાના ઘરેણાં બનાવવા અને પોલિશિંગની કામગીરી થતી હોવાથી ત્યાં ગેસના 3 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટની આગ સિલિન્ડર સુધી પહોંચતાં 2 ગેસ સિકિન્ડર બ્લાસ્ટ થઈ ગયા હતા, જ્યારે 1 સિલિન્ડરને ફાયર વિભાગે સમયસૂચકતા વાપરીને સળગતી આગમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. તહેવારની રજા હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હોવાના કારણે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande