
સુરત, 29 મે (હિ.સ.) : તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોનગઢ નજીક નમસ્તે સર્કલ પાસે એન.એચ. નંબર-174 ઉપર ઉકાઈથી સોનગઢ જવાના માર્ગ પર મલ્હાર ફેન્સી ઢોસાની સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એસ. રાજપૂત અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન બોલેરો પિકઅપ વાહનમાંથી કુલ 3900 જેટલી આઈએમએફએલ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.14.01 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત દરોડા દરમિયાન રૂ.10 લાખની કિંમતનું એક વાહન, બે મોબાઈલ ફોન, 72 બોક્સ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.24.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ધીરેન્દ્ર ભાસ્કર દેવરે (રહે. ભોંગાવ, તા. સાકરી, જી. ધુલિયા, મહારાષ્ટ્ર) અને વિકાસ રાજુરામ મેઘવાલ (રહે. ભોંગાવ, તા. સાકરી, જી. ધુલિયા, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ કેસમાં સુરત અને મહારાષ્ટ્રના કુલ 6 વોન્ટેડ આરોપીઓને પણ જાહેર કર્યા છે. જેમાં દારૂ સપ્લાયર સંજય ઉર્ફે સંજુ ધાઢી ભીમરાવ ગવાણે, કમલેશ પાટીલ, બંટી પાટીલ તેમજ રિસીવર તરીકે અશોક ગવાણે અને જીતુ શિરશાટના નામો સામે આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે