
પોરબંદર, 29 મે (હિ.સ.) : પોરબંદર સહિત રાજ્યભરમાં ચોમાસા પૂર્વે ગરમીનો માહોલ યથાવત્ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં “હોટ એન્ડ હ્યુમિડ' પરિસ્થિતિની ચેતવણી જાહેર કરી છે.
ગરમ પવન સાથે વધેલા ભેજને કારણે લોકોને ભારે અકળામણનો અનુભવ થઈ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વિશેષ કરીને દરિયાકાંઠાના શહેરો, બંદર વિસ્તારો તેમજ મહાનગરોમાં ગરમી અને ભેજના સંયુક્ત પ્રભાવને કારણે અસહ્ય ઉકળાટ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોને વધુ થાક, બેચેની અને વધુ પરસેવો થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.હવામાન વિભાગે નાગરિકોને બપોર દરમિયાન સીધા તડકામાં બહાર જવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું, હળવા અને કોટનના કપડાં પહેરવાનું તેમજ વૃદ્ધો અને બાળકોના આરોગ્ય પ્રત્યે ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે. આગામી 48 કલાક બાદ વાતાવરણમાં પલટાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજના દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. પરંતુ 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya