વાપીના મેદાનથી એશિયાના શિખર સુધી: રાહુલ જાખરે જીત્યો એશિયન યુ-20 ડેકાથલોન ગોલ્ડ
વાપી, 30 મે (હિ.સ.) ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવી ગોલ્
એશિયન યુ-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક અને રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગુજરાતના રાહુલ જાખરે દેશનું ગૌરવ વધાર્યું.


વાપી, 30 મે (હિ.સ.) ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો.

મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના પરિવાર સાથે વાપીમાં સ્થાયી થયેલા રાહુલની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની છે. ડેકાથલોન જેવી કઠિન સ્પર્ધામાં 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડ સહિત કુલ 10 ઇવેન્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને રાહુલે એશિયાના શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ તરીકે સ્થાન મેળવ્યું છે.

રાહુલ હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC) ખાતે તાલીમ લઈ રહ્યો છે. તેમના કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તેણે સતત પ્રગતિ કરી છે.

હોંગકોંગથી વાત કરતાં રાહુલે જણાવ્યું હતું કે, “મારા તમામ કોચ અને ગુજરાત સરકારનો હું આભારી છું. રાજ્ય દ્વારા મળતી ઉત્તમ સુવિધાઓ અને માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત થઈ છે. હવે મારું લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે.”

નાયબ મુખ્યમંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં રમતગમતનું મજબૂત માળખું અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જેના પરિણામે આવી પ્રતિભાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી રહી છે.

રાહુલની એથ્લેટિક્સ સફર પણ પ્રેરણાદાયી રહી છે. વાપીના એક સ્થાનિક મેદાનમાં ખેલાડીઓને તાલીમ લેતા જોઈ તેની અંદર એથ્લેટ બનવાની ઇચ્છા જાગી હતી. ત્યારબાદ ખેલ મહાકુંભમાં લાંબી કૂદમાં સુવર્ણ ચંદ્રક જીતતા તેણે એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવાનો નિર્ધાર કર્યો હતો. આજે એ જ યુવાન એશિયાના વિજેતા મંચ પર ઉભો રહી ભારત માટે ગૌરવ સર્જી રહ્યો છે.

રાહુલ જાખરની આ સિદ્ધિ ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે એક નવી પ્રેરણા બની છે અને રાજ્યના યુવા ખેલાડીઓ માટે સફળતાનો માર્ગ દર્શાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande