
- આવનારા કાર્યક્રમોને લઈને કાર્યકર્તાઓને માર્ગદર્શન.
બોટાદ, 30 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ભારતીય જનતા યુવા મોરચાની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બોટાદ જિલ્લા તથા બરવાળા શહેર યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હેમાંગ જોષીએ યુવા મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આગામી સમયમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક અને જનજાગૃતિના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ યુવાનોને સંગઠનના કાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવવા, સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન યુવા મોરચાની આગામી કામગીરી, સભ્યતા અભિયાન, સામાજિક સેવા પ્રવૃત્તિઓ તેમજ વિવિધ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને સંગઠનની વિચારધારા સાથે જોડાઈને જનહિતના કાર્યોમાં વધુ ઉત્સાહપૂર્વક કાર્ય કરવા પ્રેરણા આપવામાં આવી હતી.
આ સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દેવાંગીબેન મૈયડ, બોટાદ જિલ્લા યુવા મોરચાના પ્રભારી રવિ પટેલ તેમજ બોટાદ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ જગદીશ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સૌને એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી.
સાળંગપુર ખાતે યોજાયેલી આ બેઠકમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર જોવા મળ્યો હતો. આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓએ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA