
ભાવનગર, 30 મે (હિ.સ.) : ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના નિર્દેશાનુસાર નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ (નરાકાસ), ભાવનગરની અર્ધવાર્ષિક બેઠક તા. 29 મે, 2026 (શુક્રવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક કચેરી, ભાવનગર ખાતે અધ્યક્ષ – નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ તથા મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાઈ હતી.
બેઠકમાં ભાવનગર સ્થિત કેન્દ્ર સરકારના વિવિધ કચેરીઓ, બેંકો અને ઉપક્રમોના કચેરી પ્રમુખો, રાજભાષા અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન સભ્ય કચેરીઓમાં રાજભાષા હિન્દીના ઉપયોગ અને પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી તેમજ રાજભાષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અસરકારક અમલ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ અવસરે રાજભાષા હિન્દી સામાયિક પ્રકાશન ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયને “સર્વશ્રેષ્ઠ શીલ્ડ”, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને “ઉત્કૃષ્ટ શીલ્ડ” તથા ભારતીય જીવન વીમા નિગમ (LIC)ને “પ્રશંસનીય શીલ્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા. અધ્યક્ષએ તમામ વિજેતા સંસ્થાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે અન્ય કચેરીઓ પણ તેમની પાસેથી પ્રેરણા લઈ રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર માટે સક્રિય યોગદાન આપશે.
દિનેશ વર્માએ ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નક્કી કરાયેલા વાર્ષિક કાર્યક્રમના લક્ષ્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકતા તમામ કચેરીઓને રાજભાષા હિન્દીનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
અપર મુખ્ય રાજભાષા અધિકારી તથા અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માએ પોતાના સંબોધનમાં કર્મચારીઓને વિવિધ પ્રોત્સાહન યોજનાઓ દ્વારા હિન્દીમાં વધુમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બેઠકના અંતે સચિવ – નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ રામપ્રીત મૌર્યએ અધ્યક્ષશ્રી સહિત તમામ સભ્ય કચેરીઓ અને પ્રતિનિધિઓનો સક્રિય સહકાર અને હાજરી બદલ આભાર વ્યક્ત કર્યો.
બેઠકમાં મુખ્યત્વે મંડળ લેખા પરીક્ષા કચેરી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, કેન્દ્રીય વિદ્યાલય, આવકવેરા કચેરી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), મુખ્ય કારખાના પ્રબંધક કચેરી, ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ, કેન્દ્રીય મીઠું અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા, ભારતીય જીવન વીમા નિગમ (LIC), સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત વિવિધ કેન્દ્રીય કચેરીઓ અને ઉપક્રમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ