
ભાવનગર, 30 મે (હિ.સ.) : રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે સણોસરા ગામમાં માનવસેવાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ અને લોકભારતી ગૌશાળાના સંચાલન સાથે ગામમાં ત્રણ અલગ-અલગ છાશ વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઉનાળાની અસહ્ય ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપતી છાશ લોકો માટે આશીર્વાદ સમાન બની છે. સણોસરા ખાતે શરૂ કરાયેલા આ છાશ કેન્દ્રોનો દરરોજ ત્રણસોથી વધુ પરિવારો લાભ લઈ રહ્યા છે. ગામના શ્રમિકો, વડીલો, મહિલાઓ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને નિયમિત રીતે છાશ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે ગરમી સામે રાહત મળી રહી છે. આ સમગ્ર સેવા પ્રવૃત્તિમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સક્રિયપણે જોડાયા છે. તેઓ છાશ તૈયાર કરવાથી લઈને તેનું વિતરણ થાય ત્યાં સુધીની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક સહભાગી બની રહ્યા છે. કાર્યકર્તાઓના સુચારૂ સંકલન અને સેવાભાવના કારણે આ યોજના સફળતાપૂર્વક ચાલી રહી છે.
લાભાર્થીઓએ જણાવ્યું હતું કે વધતી ગરમીમાં વિનામૂલ્યે મળતી છાશથી શરીરને ઠંડક મળે છે અને દૈનિક ખર્ચમાં પણ રાહત અનુભવાય છે. ખાસ કરીને મજૂર વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.
સામાજિક જવાબદારી અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી આ પહેલ ગામમાં પ્રશંસાનું કેન્દ્ર બની છે. લોકભારતી ગૌશાળા અને સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ દ્વારા ચાલી રહેલી આ સેવા પ્રવૃત્તિ ઉનાળાની ગરમી વચ્ચે લોકો માટે રાહત અને આશ્વાસનનું કાર્ય કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA