વહેલી સવારથી જ અરવલ્લી-મહીસાગરમાં ધોધમાર વરસાદ, રાજકોટના તાપમાનમાં 3.7°નો ઘટાડો
અમદાવાદ,30 મે (હિ.સ.) ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે.કાળઝાળ ગરમી અને ભારે બફારાથી ત્રસ્ત અરવલ્લી જિલ્લાના લોકોને અચાનક વરસાદે મોટી રાહત આપી છે. આગ ઓકતી ગરમી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાદળો છ
Heavy rain in Aravalli-Mahisagar since early morning, temperature in Rajkot drops by 3.7°


અમદાવાદ,30 મે (હિ.સ.) ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે.કાળઝાળ ગરમી અને ભારે બફારાથી ત્રસ્ત અરવલ્લી જિલ્લાના લોકોને અચાનક વરસાદે મોટી રાહત આપી છે. આગ ઓકતી ગરમી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાદળો છવાઈ ગયા છે અને વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારે જ આકાશમાંથી વરસેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીથી ત્રાસી રહેલા લોકોને આ વરસાદી માહોલે ઘણી રાહત આપી છે.

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે 30 મેના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે.

મેઘરાજાના આ ધમાકેદાર આગમનની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદી વાતાવરણને પગલે રાજ્યભરના તાપમાનમાં પારો ગગડ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટના મહત્તમ તાપમાનમાં એકઝાટકે 3.7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ચેતવણી આપી હોવાથી, ખેડૂતોને પોતાના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 43.6° સેલ્સિયસથી સીધું 3.7° ઘટીને 39.9°C થઈ ગયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તાપમાન 44.7°Cથી 3.2°C ઘટીને 41.5°C અને ડીસામાં 42.2°થી 4.1°નો મોટો ઘટાડો થઈને 38.1° સેલ્સિયસ નોંધાયું છે. અમરેલીમાં 2.4°નો ઘટાડો (41.9°થી 39.5°), કંડલા એરપોર્ટ પર 2.4°નો ઘટાડો (40°થી 37.6°) અને કંડલામાં 1.3°નો ઘટાડો (37.8°થી 36.5°) થયો છે.

બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 0.8° (43.5°થી 42.7°) અને અમદાવાદમાં 1.3° (44.4°થી 43.1°)નો ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય ગરમીથી થોડી રાહત મળી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જ્યારે આખા રાજ્યમાં માત્ર દમણ અને પોરબંદર જ એવા બે વિસ્તારો છે, જ્યાં તાપમાન ઘટવાને બદલે સહેજ વધ્યું છે. ટૂંકમાં, દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના અન્ય તમામ આંતરિક શહેરો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પારો નોંધપાત્ર ગગડ્યો છે. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 3થી 5°Cનો ક્રમિક ઘટાડો થવાની શક્યતા છે.

અમદાવાદમાં આગામી દિવસોમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 43°Cની આસપાસ રહેવાની સંભાવના છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.1°C નોંધાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande