
વલસાડ, 30 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના કોસંબા ગામે શ્રી દીપલા સમાજ સાગરખેડુ પંચ દ્વારા શ્રી વેકરીયા હનુમાનજી મંદિરના લાભાર્થે આયોજિત હનુમાન ચરિત સાથેની ઐતિહાસિક શ્રીરામ કથાને ભક્તિભાવપૂર્વક વિરામ આપવામાં આવ્યો હતો. કથાકાર મિતેશ જોશી (વલસાડવાળા)ના શ્રીમુખે યોજાયેલી નવદિવસીય કથામાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.
આ પ્રસંગે તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વચન આપ્યા હતા. કથાકાર મિતેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે અહંકાર ભક્તિના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. ભગવાન શ્રીરામે શબરીના બોર સ્વીકારી ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું હતું, જ્યારે રાવણની લંકા તેના અહંકારના કારણે જ ભસ્મ થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કર્મના ફળથી ભગવાન પણ બાકાત નથી અને ભગવાન શ્રીકૃષ્ણે પણ પારધીના તીરથી દેહત્યાગ કર્યો હતો. રામનામ જીવનને શાંતિ અને મુક્તિ આપનારું છે. નવ દિવસ સુધી શબ્દો દ્વારા પ્રભુનો શણગાર કરવામાં આવ્યો છે અને કથા પૂર્ણ નહીં પરંતુ વિરામ પામી છે.
કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે રામાયણના આદર્શોને જીવનમાં ઉતારવાથી જ કથાશ્રવણનું સાચું ફળ મળે છે. ધર્મ અને સંસ્કારોના પાલનથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર મજબૂત બને છે.
નવ દિવસ દરમિયાન હનુમાન જન્મોત્સવ સહિત વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવથી ઉજવાયા હતા. કથાના સફળ આયોજન માટે શ્રી દીપલા સમાજ સાગરખેડુ પંચ, વેકરીયા હનુમાન મંદિર ટ્રસ્ટ તથા કોસંબા ગામના ગ્રામજનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha