માંડવી નજીક દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ: 11.62 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો
કચ્છ, 30 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. માંડવી તાલુકાના કોડાય વિસ્તાર નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડ
માંડવી દારૂ કેસમાં પકડાયેલ આરોપી


કચ્છ, 30 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. માંડવી તાલુકાના કોડાય વિસ્તાર નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન દારૂ સહિત કુલ રૂ. 11.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક શખ્સ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે કોડાયથી માંડવી તરફ જતાં એક આઈસર ટેમ્પો પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ ટેમ્પામાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે સતર્કતા પૂર્વક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો, બિયર ટીન અને ક્વાર્ટરનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કુલ 143 બોટલો, 240 બિયર ટીન અને 196 ક્વાર્ટર કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 1.57 લાખ જેટલી થાય છે. ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલ રૂ. 10 લાખ કિંમતનો આઈસર ટેમ્પો અને એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ. 11,62,138નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ કેસમાં કોડાય વાડી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ઘનશ્યામ હિરજીભાઈ હાલાઈની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો બહારથી લાવી સ્થાનિક સ્તરે સગેવગે કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. પોલીસે તેની સામે ગુજરાત પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તપાસ દરમિયાન અન્ય એક આરોપી શિવમ જાદવ, જે મહારાષ્ટ્રના તલાસરીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તેની સંડોવણી પણ બહાર આવી છે. હાલ તે ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે તપાસ આગળ વધતાં દારૂની સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા તત્વો અંગે વધુ મહત્વની વિગતો બહાર આવી શકે છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રહેશે અને કાયદાનો ભંગ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande