આરટીઈ હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર: ભુજ જિલ્લામાં 189 વિદ્યાર્થીઓને ફાળવાઈ બેઠકો, 4 જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત
કચ્છ, 30 મે (હિ.સ.) : ભુજ જિલ્લામાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રથમ ર
શિક્ષણ એડમીશન


કચ્છ, 30 મે (હિ.સ.) : ભુજ જિલ્લામાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં કુલ 2,268 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાલી રહેલી બેઠકોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા દ્વિતીય તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં વધુ 189 વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

પ્રવેશ ફાળવાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને મોબાઇલ સંદેશા દ્વારા જાણ કરવામાં આવી છે. સંબંધિત વાલીઓએ નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને પોતાના બાળકનો પ્રવેશ કન્ફર્મ કરાવવો અનિવાર્ય છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે 4 જૂન, 2026 સુધીમાં શાળામાં હાજર રહી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો ફાળવાયેલ પ્રવેશ આપમેળે રદ ગણાશે.

વાલીઓએ સૌપ્રથમ RTEના સત્તાવાર પોર્ટલ પર જઈ ‘Admit Card’ વિભાગમાંથી પોતાના બાળકનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો રહેશે. તે માટે અરજી નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે. ડાઉનલોડ કરાયેલ પ્રવેશપત્રની પ્રિન્ટ સાથે જરૂરી મૂળ દસ્તાવેજો લઈને ફાળવાયેલી શાળામાં હાજર રહી પ્રવેશ મેળવવાનો રહેશે.

શાળાઓને પણ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ઓનલાઈન સિસ્ટમમાં પ્રવેશને મંજૂરી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને સમયસર પૂર્ણ થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

જે વાલીઓને પ્રવેશ ફાળવાયો નથી તેઓ પણ પોર્ટલ પર જઈ પોતાની અરજીની સ્થિતિ અંગે માહિતી મેળવી શકે છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો હેલ્પલાઇન નંબર 9426127682 પર સંપર્ક કરી શકાય છે.

નોડલ ઓફિસર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુજ નિલેશ ગોરે તમામ વાલીઓને સમયમર્યાદાનું પાલન કરીને 4 જૂન પહેલાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે, જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષનો લાભ સમયસર મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande