પીજીવીસીએલનો ચોરીનો રૂ. 59 હજારથી વધુનો મુદ્દામાલ કબજે: એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો
ભાવનગર, 30 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીજીવીસીએલમાં ઉપયોગમાં લેવાતો રૂ. 59,090 કિંમતનો એલ્યુમિનિયમ વાયર, ગેલ્વેનાઇઝ વાયર અને લોખંડના એંગલ સાથ
ભાવનગર


ભાવનગર, 30 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીજીવીસીએલમાં ઉપયોગમાં લેવાતો રૂ. 59,090 કિંમતનો એલ્યુમિનિયમ વાયર, ગેલ્વેનાઇઝ વાયર અને લોખંડના એંગલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર અને પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પાલીતાણાના પરીમલ સોસાયટી વિસ્તારમાં રહેતા રફીકભાઈ મહમદભાઈ યાફાઈએ પોતાના રહેણાંક મકાનમાં જી.ઈ.બી.ના વાયર અને લોખંડના એંગલ શંકાસ્પદ રીતે સંગ્રહ કરી રાખ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રફીકભાઈ પાસેથી મોટી માત્રામાં એલ્યુમિનિયમ અને ગેલ્વેનાઇઝ વાયર તેમજ લોખંડના એંગલ મળી આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ અંગે જરૂરી દસ્તાવેજો, બિલ કે માલિકીનો પુરાવો માંગતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે શંકાસ્પદ મિલકત તરીકે મુદ્દામાલ કબજે કરી રફીકભાઈની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન તેણે આ સામાન ગારીયાધારમાં તલાસ મેટલ નામની ભંગારની દુકાન ચલાવતા એક વ્યક્તિ પાસેથી બે દિવસ અગાઉ મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી પાસેથી 248 કિલો એલ્યુમિનિયમ વાયર કિંમત રૂ. 57,040, 59 કિલો ગેલ્વેનાઇઝ વાયર કિંમત રૂ. 1,475 તેમજ 23 કિલો વજનના ત્રણ લોખંડના એંગલ કિંમત રૂ. 575 મળી કુલ રૂ. 59,090નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande