

પાટણ, 30 મે (હિ.સ.) : પાટણ જિલ્લા પોલીસ દ્વારા યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે નાગરિકોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત કરવા અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ જનસહાય તથા માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ અંદાજે ₹40 લાખની કિંમતનો ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.
આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ₹5 કરોડથી વધુની લોન મંજૂર કરી ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. DySP પરેશ રેણુકાએ જણાવ્યું કે પાત્ર અરજદારોને કુલ ₹5.50 કરોડ સુધીની લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં સાયબર ગુનાઓના ભોગ બનેલા નાગરિકોને પણ રાહત આપવામાં આવી હતી.
પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસોમાંથી ગુમાવેલી રકમ પૈકી ₹14.82 લાખ ફરિયાદીઓના બેંક ખાતામાં પરત જમા કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત 38 મોબાઈલ ફોન, 4 બાઈક, 1 કાર, ₹2.50 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના તેમના અસલી માલિકોને સુપરત કરાયા હતા.
પોલીસ અધિક્ષક વી.કે. નાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના અધિકારીઓ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંહ ગેહલોત, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. DySP રેણુકાએ નાગરિકોને લોન માટે માત્ર અધિકૃત બેંકોનો સંપર્ક કરવા અને વ્યાજખોરો દ્વારા હેરાનગતિ થાય તો નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ