
વલસાડ, 30 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત 15 દિવસીય નિઃશુલ્ક સમર કેમ્પ-2026નો સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને સમાજસેવી ભરતભાઈ બલસારાએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભરતભાઈ બલસારા દ્વારા બાળકોને એક્ઝામ પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, બ્રહ્માકુમારીઝના દક્ષિણ ગુજરાતના સંયોજિકા રંજનદીદી તેમજ ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકોને યોગને જીવનશૈલીનો ભાગ બનાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રેરિત કર્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ શિસ્ત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તા. 16 મેથી 30 મે દરમિયાન યોજાયેલા કેમ્પમાં 100થી વધુ બાળકોએ યોગ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
સમારોહ દરમિયાન બાળકોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સોનલબેન સોલંકી દ્વારા એક્ઝામ પેડ, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વોટર બોટલ અને જયમીન દેસાઈ દ્વારા ડ્રોઈંગ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બાળકોને સેલ્ફ ડિફેન્સ, ફર્સ્ટ એઈડ અને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવી હતી.
સમાપન કાર્યક્રમમાં જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ, યોગ ટ્રેનરો, વાલીઓ અને મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા. કેમ્પનું સંચાલન હેમાક્ષીબેન તેમજ સહ-સંચાલકો મુકેશભાઈ અને દીપાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha