
- 18 હજાર જેટલા નાગરિકોને વસ્તી ગણતરીના ફોર્મ ઓનલાઇન સબમિટ કરાવ્યા,31 મે સુધી સ્વગણના કરી શકાશે.
વડોદરા, 30 મે (હિ.સ.) : દેશના વિકાસના આયોજન માટે પાયાના તત્વ સમાન મહત્વની વસ્તી ગણતરીની પ્રક્રીયા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે પ્રથમ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્વગણતરીને પણ અમલમાં મૂકવામાં આવી છે. સેલ્ફ એન્યુમરેશન થકી નાગરિકો દ્વારા જ જનગણનામાં સહભાગી થવાને વડોદરા શહેર અને જિલ્લામાં સુંદર પ્રતિભાવ મળ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 21 હજાર જેટલા લોકોએ જાતે જ જનગણના કરાવી છે.
કલેક્ટર તંત્ર પાસે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર તા. ૨૯ના રોજ સવાર સુધીમાં 21548 લોકોએ ઓનલાઇન જનગણનામાં ભાગ લીધો છે. જેમાં 18879 લોકોએ પોતાના ફોર્મ સબમિટ કરાવી દીધા છે. જ્યારે 2669 લોકો આ પ્રક્રીયા હેઠળ હતા. આમ કુલ 21548 લોકો સેલ્ફ એન્યુમરેશનમાં સહભાગી બન્યા છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો.અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ,નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સહિતના અધિકારીઓએ પણ આ પ્રક્રીયા પૂર્ણ કરી છે. શહેર અને જિલ્લાના જનપ્રતિનિધિઓ પણ આ ઓનલાઇન જનગણનામાં ઉત્સાહભેર સહભાગી થયા છે. આ પ્રક્રીયા હજુ 31 મે સુધી ચાલવાની છે.
સેલ્ફ એન્યુમરેશન એકદમ સરળ છે. સેન્સસની વેબસાઇટ ઉપર જઇને નાગરિકો પોતાના મોબાઇલ નંબર અને ઇમેઇલ સાથે નામ નોંધી શકે છે. એક વખત નામ નોંધાઇ ગયા બાદ તેમાં રહેઠાણની વિગતો પીનકોડ નાખીને પસંદ કરી શકાય છે. એટલે તમે ક્યાં વસવાટ કરી રહ્યા છો ? એ સરળતાની નક્કી કરી શકાય છે. બાદમાં ઘર, તેની સ્થિતિ, જરૂરી સેવા અને વસ્તુઓના ઉપયોગને લગતા પ્રશ્નોના જવાબ આપવાના રહે છે.
નોંધણી વખતે ભાષાની પસંદગી કરવાથી નાગરિકોને તેમને અનુકૂળ ભાષાનો પણ વિકલ્પ મળી રહે છે. આ પ્રશ્નોના ઉત્તર આપ્યા બાદ ફોર્મ સબમિટ કરાવી દેવાથી પ્રક્રીયા પૂર્ણ થાય છે. તે બાદ સેલ્ફ એન્યુમરેશન આઇડી નંબર મળે છે. જે સાચવીને રાખવાનો છે. ગણતરીદાર જ્યારે આપની મુલાકાત લે ત્યારે એ નંબર આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ