
જ્યોતિર્મઠ, નવી દિલ્હી, 31 મે (હિ.સ.). ચમોલી જિલ્લાની રમણીય અને વ્યુહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નીતિ ખીણમાં રવિવારે ‘નીતિ એક્સટ્રીમ અલ્ટ્રા રન’ નો શુભારંભ થયો. પ્રવાસન વિભાગ દ્વારા ભારતીય સેના અને આઈટીબીપીના સહયોગથી આયોજિત આ અનોખા આયોજનમાં દેશના 28 રાજ્યોના 933 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
‘નીતિ એક્સટ્રીમ અલ્ટ્રા રન’ કાર્યક્રમનો શુભારંભ કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભરત સિંહ ચૌધરીએ ફ્લેગ ઓફ કરીને કર્યો. આ પ્રસંગે મંત્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને પ્રવાસન સંવર્ધન માટે સતત કાર્યરત છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં આ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ફિટ ઇન્ડિયા’ ઝુંબેશને સરહદી વિસ્તારો સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે. તેમણે ઉમેર્યું કે સરહદી ગામોમાં પ્રવાસન પ્રવૃત્તિઓના વિસ્તરણથી સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો મળશે અને દ્વિતીય સંરક્ષણ પંક્તિના ગામો વધુ મજબૂત બનશે.
જિલ્લા પ્રવાસન અધિકારી અરવિંદ ગૌડે જણાવ્યું કે, ‘નીતિ એક્સટ્રીમ અલ્ટ્રા રન’ નું આયોજન 31 મે થી 2 જૂન સુધી કરવામાં આવશે. પ્રથમ દિવસે રિમખિમ-નીતિ-મલારી 75 કિલોમીટર અલ્ટ્રા રન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 117 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે મલારી-નીતિ-મલારી 42 કિલોમીટર અલ્ટ્રા રનમાં 118 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં 5, 10 અને 21 કિલોમીટરની હાફ મેરેથોન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમાપન પ્રસંગે ગમસાલીથી મલારી વચ્ચે 30 કિલોમીટર એમટીબી ચેલેન્જ સ્પર્ધા પણ યોજવામાં આવશે.
આયોજન પૂર્વે શનિવારે રાત્રે મલારી ગામમાં પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિશન મહિપાલે લોકપ્રિય લોકગીતોની પ્રસ્તુતિ કરીને રંગ જમાવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્પર્ધકો અને સ્થાનિક લોકોએ મોડી રાત સુધી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા હરક સિંહ, જિલ્લા પંચાયત પ્રમુખ દૌલત સિંહ બિષ્ટ, બીકેટીસીના ઉપાધ્યક્ષ ઋષિ પ્રસાદ સતી, ભાજપ જિલ્લા પ્રમુખ ગજપાલ બર્ત્વાલ, મહામંત્રી અરુણ મૈઠાણી, વિનોદ કનવાસી, ગૃહ સચિવ શૈલેષ બગોલી, પ્રવાસન સચિવ ધીરાજ ગર્બ્યાલ, મુખ્ય વિકાસ અધિકારી ડૉ. અભિષેક ત્રિપાઠી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ભારતીય સેના તેમજ આઈટીબીપીના અધિકારીઓ-જવાનો, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસીય આ આયોજનનો ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક સંસ્કૃતિને રાષ્ટ્રીય ઓળખ અપાવવાનો અને યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રકાશ કપરૂવાણ / ડૉ. વિનોદ પોખરિયાલ / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ