
ગીર સોમનાથ, 01 જૂન (હિ.સ.) : વિશ્વભરમાં 31 મેના રોજ 'વર્લ્ડ નો ટોબેકો ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ તમાકુ ઉત્પાદનો જેવા કે પાન, માવા, સોપારી, સિગારેટ વગેરેના સેવનથી થતા કેન્સર અને અન્ય રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. વ્યસનમુક્તિ માટે લોકોને પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે.
આ ઉજવણીના ભાગરૂપે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ દ્વારા 31 મે થી 6 જૂન સુધી 'નો ટોબેકો સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું છે. રેડ ક્રોસ આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર ખાતે તમાકુથી થતા કેન્સર વિશે સમજણ આપવામાં આવશે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલ એમ. કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટ એન. ઉનડકટ અને સેક્રેટરી ગિરીશ ઠક્કર સહિત કમિટીના સભ્યો આ પહેલમાં સામેલ છે.
આ સપ્તાહ દરમિયાન, રેડ ક્રોસ ડેન્ટલ કેર વિભાગના ડો. તન્વી વૈષ્ણવ (દાંતના સર્જન) દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જનતા માટે સંપૂર્ણ નિઃશુલ્ક દાંતની તપાસ, નિદાન અને વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ 'વ્યસન મુક્તિ અભિયાન' ને વેગ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ નિઃશુલ્ક સેવાઓનો લાભ વેરાવળ શહેર ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકો લઈ શકશે. રેડ ક્રોસ દ્વારા લોકોને આ સપ્તાહ દરમિયાન દાંતની તપાસ, નિદાન અને વ્યસનમુક્તિ અંગેના માર્ગદર્શન માટે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
રેડ ક્રોસ આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર, ગીર સોમનાથ ખાતે રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ કેર ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ સેન્ટર, ડિઝાસ્ટર ટ્રેનિંગ સેન્ટર અને સર્જિકલ સાધનો ભાડા વગર વાપરવા જેવી અનેક સેવાઓ પણ ઉપલબ્ધ છે. સંસ્થાના જોઇન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ દ્વારા જારી કરાયેલી યાદીમાં ગીર સોમનાથ જિલ્લાની જનતાને આ તમામ સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ