
પાટણ, 01 જૂન (હિ.સ.) : બનાસકાંઠાના પાલનપુરમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાના સંકલ્પ સાથે ચલાવવામાં આવતી ભોજન રથ સેવાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આગામી 7 જૂન, 2026થી ડીસા અને સિદ્ધપુર ખાતે બે નવા ભોજન રથ શરૂ કરવામાં આવશે, જે દ્વારા ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ટ્રસ્ટ હાલ પાલનપુરના સિવિલ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, ગઠામણ ગેટ, કીર્તિ સ્તંભ, કલેક્ટર હાઉસ અને જોરાવર પેલેસ સહિતના વિસ્તારોમાં વર્ષના 365 દિવસ, દિવસમાં બે વખત શુદ્ધ ઘી સાથેની કઢી-ખિચડી અને મીઠાઈનો ભોજન પ્રસાદ વિતરણ કરી રહ્યું છે. આ સેવા છેલ્લા બે વર્ષથી સતત ચાલી રહી છે.
ભોજન સેવામાં સહયોગ આપવા ઇચ્છુક દાતાઓ માટે ટ્રસ્ટે 99784 07899 નંબર જાહેર કર્યો છે. દાતાઓ વોટ્સએપ મારફતે પોતાની વિગતો અને ભોજન આપવાની માહિતી મોકલી યોગદાન આપી શકે છે. ટ્રસ્ટ આ સમગ્ર સેવા સંપૂર્ણપણે માનવ કલ્યાણ અને સેવા ભાવના સાથે ચલાવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ