




પોરબંદર, 10 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણીનો ઝડપી અને સુવ્યવસ્થિત નિકાલ થાય, ગટર અને વરસાદી પાણીના નાળાઓમાં અવરોધ દૂર થાય તેમજ પાણી ભરાવાની સમસ્યાઓને અસરકારક રીતે નિવારી શકાય તે હેતુસર વ્યાપક પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની નેમ સાથે કામ પૂરજોશમાં હાથ ધર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 218 કિલોમીટર લાંબી ગટર લાઈનોની સફાઈ કરવામાં આવી છે. ગટર લાઈનોમાં જમા થયેલા કાદવ, ગંદકી અને અન્ય અવરોધોને દૂર કરીને નિકાલ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે. સાથે સાથે વરસાદી પાણીના નાળાઓ, ચેમ્બર અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ અવરોધ વિના આગળ વધી શકે.
મહાનગરપાલિકાની ટીમો દ્વારા અત્યાર સુધીમાં વિવિધ ગટર લાઈનો, નાળાઓ અને વરસાદી પાણીના માર્ગોમાંથી અંદાજે 650 ટન જેટલો કાદવ, કીચડ અને ઘન કચરો દૂર કરવામાં આવ્યો છે. આ કામગીરીથી શહેરની ડ્રેનેજ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે અને ચોમાસા દરમિયાન સંભવિત મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે. પ્રિ-મોન્સૂન કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવા માટે આધુનિક મશીનરી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જેટિંગ મશીન, ડી બે ફિલ્ટિંગ મશીન, હિટાચી મશીન, ત્રણ જે સી બી મશીન, બે ડમ્પર તેમજ ટ્રેક્ટર સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કાર્ય દરમિયાન મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂરો સહિત દરરોજ સરેરાશ 40 જેટલા માનવબળ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તમામ વિભાગોએ સંકલન અને સુમેળ સાથે કામગીરીને સફળ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. મહાનગરપાલિકાએ શહેરના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોની આગોતરી ઓળખ કરી ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગટર અને વરસાદી નિકાલની લાઈનોમાં રહેલા અવરોધોને દૂર કરી વરસાદી પાણીનો સરળ અને ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર સાગરભાઈ મોદીએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોએ સંકલિત પ્રયાસો દ્વારા ચોમાસા પૂર્વે જરૂરી તમામ તૈયારી કરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરીના પરિણામે શહેરની ગટર અને વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા વધુ સક્ષમ બની છે. ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, પાણી ભરાવાની સમસ્યા અટકાવી શકાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારા માટે મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા સંકલિત અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya