
સુરત, 10 જૂન (હિ.સ.): સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં ચાર વર્ષના બાળકએ રમતા રમતા કાચની લખોટી ગળી લીધી હતી. ઘટનાના કારણે પરિવાર ગભરાઈ ગયો હતો, પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચાડાતા બાળકને યોગ્ય સારવાર મળી અને તેની સ્થિતિ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું.
માહિતી અનુસાર, બિલિયા નગરમાં રહેતો રોહન નામનો સાડા ચાર વર્ષનો બાળક પોતાના મિત્રો સાથે ઘરની બહાર લખોટીઓથી રમતો હતો. રમતાં રમતાં તેણે એક લખોટી મોઢામાં મૂકી દીધી હતી, જે ગળામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારબાદ બાળક રડવા લાગતાં તેની માતાને ઘટનાની જાણ થઈ અને તરત જ પરિવારને જાણ કરવામાં આવી.
બાળકના પિતાએ કામ છોડીને ઘરે પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તાત્કાલિક તપાસ અને એક્સ-રે કરાવ્યા હતા. રિપોર્ટમાં લખોટી શ્વાસનળીમાં નહીં પરંતુ પેટમાં પહોંચી હોવાનું સામે આવ્યું હતું.
ડોક્ટરોની દેખરેખ અને જરૂરી સારવાર બાદ બાળકની તબિયત સ્થિર જણાતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઘટના તમામ માતા-પિતા માટે ચેતવણીરૂપ છે કે નાના બાળકોની આસપાસ રહેલી નાની વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આવી બેદરકારી ગંભીર પરિણામો સર્જી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે