
ભાવનગર,10 જૂન (હિ.સ.)ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા રાજ્યના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને પોતાના મોબાઇલ ફોનમાં ભારત સરકારની સત્તાવાર આપત્તિ ચેતવણી એપ્લિકેશન ‘સચેત’ (SACHET) ડાઉનલોડ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત અને સંભવિત આફતો વચ્ચે આ એપ નાગરિકોના જીવન અને માલસામાનની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા તૈયાર કરાયેલી આ એપનો મુખ્ય હેતુ નાગરિકોને પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન અને વીજળી પડવી જેવી કુદરતી આપત્તિઓ વિશે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર આધારિત વહેલી ચેતવણી (Early Warning Alerts) રીઅલ-ટાઇમમાં આપવાનો છે. આ ઉપરાંત, આ એપમાં ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી રોજિંદા હવામાનના અહેવાલો અને આગામી દિવસોની સચોટ આગાહીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભાષાકીય સરળતા માટે આ એપ ગુજરાતી સહિત ભારતની ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં કાર્ય કરે છે. જેથી નાગરિકો પોતાની ભાષામાં ચેતવણીઓ વાંચી અને સાંભળી શકે.
એપ્લિકેશનમાં આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું (Dos & Don'ts), કટોકટીના હેલ્પલાઇન નંબરો અને પ્રભાવિત વિસ્તારોના નકશા જેવી મહત્વપૂર્ણ માહિતી પણ સામેલ છે. આ એપને ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર SACHET સર્ચ કરીને અથવા સત્તાવાર લિંક https://sachet.ndma.gov.in/DownloadMobileApp પરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાય છે. વધુ માહિતી માટે ૨૪ કલાક કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ભાવનગરના ફોન : ૦૨૭૮૨૫૨૧૫૫૪/૦૨૭૮૨૫૨૧૫૫૫ નંબર પર સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA