ભાવનગર એસ.ટી. વિભાગે સુચારૂ સંચાલનથી રૂ. 1.41 કરોડની વધારાની આવક હાંસલ કરી
ભાવનગર, 10 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગે મે-2026 દરમિયાન અસરકારક આયોજન, મુસાફરકેન્દ્રિત સેવાઓ અને સુચારૂ સંચાલનના પરિણામે નોંધપાત્ર આર્થિક સફળતા મેળવી છે. એપ્રિલ-2026ની સરખામણીએ મે-2026માં વિભાગે રૂ. 1,41,19,000
ડેપો ફાઇલ ફોટો


ભાવનગર, 10 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગે મે-2026 દરમિયાન અસરકારક આયોજન, મુસાફરકેન્દ્રિત સેવાઓ અને સુચારૂ સંચાલનના પરિણામે નોંધપાત્ર આર્થિક સફળતા મેળવી છે. એપ્રિલ-2026ની સરખામણીએ મે-2026માં વિભાગે રૂ. 1,41,19,000 (એક કરોડ એકતાલીસ લાખ ઓગણીસ હજાર)ની વધારાની આવક પ્રાપ્ત કરી હોવાનું વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને ભાવનગર વિભાગે વિશેષ આયોજન હાથ ધર્યું હતું. મુસાફરોને સરળ, સુરક્ષિત અને સમયસર પરિવહન સેવા મળી રહે તે માટે આશરે 70 હજાર કિલોમીટરનું વધારાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે જ રદ કિલોમીટરના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કરી ‘શૂન્ય બ્રેકડાઉન’નું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યું હતું, જે વિભાગની કાર્યક્ષમતા અને આયોજન ક્ષમતાનું પ્રતિબિંબ છે.

ઓનલાઈન રિઝર્વેશન ક્ષેત્રે પણ વિભાગને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. મે-2026 દરમિયાન મુસાફરોએ ઓનલાઈન માધ્યમથી 46,788 જેટલી વધુ બેઠકો બુક કરાવી હતી. જેના પરિણામે રિઝર્વેશન આવકમાં રૂ. 76.92 લાખનો વધારો નોંધાયો હતો. ડિજિટલ સેવાઓ પ્રત્યે મુસાફરોનો વધતો વિશ્વાસ વિભાગ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

આ ઉપરાંત પ્રતિ કિલોમીટર આવકમાં પણ રૂ. 2.60નો વધારો નોંધાયો છે, જે વિભાગના નફાકારક સંચાલનને દર્શાવે છે. ભાવનગર અને મહુવા ડેપોએ પોતાના સંચાલન ખર્ચને આવરી લઈ અનુક્રમે રૂ. 50 લાખ અને રૂ. 8 હજારની વધારાની આવક મેળવી છે.

વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે જણાવ્યું હતું કે ભાવનગર વિભાગ આગામી સમયમાં પણ મુસાફર જનતાને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. વિભાગની આ સિદ્ધિ કર્મચારીઓની મહેનત, યોગ્ય આયોજન અને મુસાફરોના સહયોગનું પરિણામ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande