
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2એ (કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર)ને મંજૂરી આપી દીધી છે. 6.032 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં પાંચ સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાં ચાર એલિવેટેડ અને એક ભૂગર્ભ સ્ટેશનનો સમાવેશ થશે. પ્રોજેક્ટની કુલ કિંમત 2,169.04 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે, બુધવારે અહીં મીડિયાને કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે કોટેશ્વર રોડ-એરપોર્ટ કોરિડોરને મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે, છ કિલોમીટર લાંબા આ માર્ગમાં પાંચ સ્ટેશનો હશે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે એરપોર્ટને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સાથે જોડશે, જેને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટને ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ફેઝ-2એ હેઠળ બનનારા સ્ટેશનોમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી નદી, સરદાર નગર અને એરપોર્ટ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તબક્કો પૂર્ણ થયા પછી અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યરત મેટ્રો નેટવર્કની કુલ લંબાઈ વધીને 77.63 કિલોમીટર થશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ એરપોર્ટ, રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને વધુ સારી જાહેર પરિવહન સુવિધા સાથે જોડશે તથા હાલના અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્ક સાથે નિર્વિઘ્ન જોડાણ સુનિશ્ચિત કરશે. તેથી શહેરી અવરજવર સરળ બનશે, પર્યટન અને વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે તથા વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે આસપાસ રમતગમત સુવિધાઓ વિકસિત થવાની સંભાવના પણ છે.
સરકારના મતે આ પ્રોજેક્ટથી આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે, રોકાણ આકર્ષાશે અને ઓછા વિકસિત વિસ્તારો સુધી વધુ સારી પહોંચ સુનિશ્ચિત થશે. ઉપરાંત, વિવિધ સામાજિક અને આર્થિક વર્ગોના લોકોને જાહેર પરિવહનની સમાન સુવિધા ઉપલબ્ધ થતાં જીવનની ગુણવત્તામાં સુધારો થશે.
અમદાવાદ મેટ્રો ફેઝ-2એ ના નિર્માણકાર્યના સૌથી વ્યસ્ત સમયમાં આશરે બે હજાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે, જ્યારે સંચાલન અને જાળવણી દરમિયાન લગભગ 500 લોકોને સીધો રોજગાર મળશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ