
પાટણ, 10 જૂન (હિ.સ.) : ચાણસ્મામાં એક પરિણીતાએ પોતાના શિક્ષક પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ તેમજ દહેજની માંગણી અંગે ગંભીર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્ષ 2015માં લગ્ન થયા બાદ દંપતી તળાજા ખાતે રહેતું હતું. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ લગ્નના બે વર્ષ પછી પતિ પત્ની સાથે મારઝૂડ કરવા લાગ્યો. ફરિયાદ મુજબ, સાસરિયાઓએ પણ પુત્રવધૂનો સાથ આપવાને બદલે પોતાના દીકરાનો પક્ષ લીધો હતો.
પત્નીના આક્ષેપ મુજબ પતિ ક્રિકેટના સટ્ટામાં જોડાયો હતો અને આશરે એક કરોડ રૂપિયાનું દેવું કરી બેઠો હતો. સામાજિક આગેવાનોની સમજાવટ બાદ પત્ની ફરી પતિ સાથે રહેવા ગઈ હતી, પરંતુ સાંતલપુર ખાતે બદલી થયા બાદ પણ ત્રાસ ચાલુ રહ્યો હતો. સટ્ટાના દેવા સંબંધિત કોર્ટની નોટિસો મળતાં પત્નીએ પૂછપરછ કરી હતી. ત્યારે પતિએ દહેજમાં કશું ન મળ્યાનું કહી પિયરથી પૈસા લાવવા દબાણ કર્યું હતું અને દેવું ચૂકવવા માટે નાણાંની માંગણી કરી હતી.
2 મે, 2026ના રોજ પતિએ પત્ની સાથે મારઝૂડ કરી તેને અને તેના પુત્રને ઘરેથી કાઢી મૂક્યા હોવાનો આરોપ છે. ત્યારબાદ મહિલા પોતાના પિયર આવી ગઈ હતી, પરંતુ પતિ તરફથી ધમકીઓ અને ગાળાગાળી ચાલુ રહી હતી.
7 મે, 2026ના રોજ આરોપી પતિ ચાણસ્મામાં તેના સાળાની બેકરી પર પહોંચી લગ્નનું આલ્બમ ફેંકી ગાળો બોલ્યો હતો અને વિરોધ કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ