
ભાવનગર, 10 જૂન (હિ.સ.) ભાવનગર શહેરમાં કાર્યરત એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) દ્વારા મહિલાઓને સ્વરોજગારી તરફ પ્રોત્સાહિત કરવા માટે આયોજિત “બેઝિક્સ ઓફ મેકિંગ જ્યુટ પ્રોડક્ટ” તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમના અંતે યોજાયેલા સમાપન સમારોહમાં 35 જેટલી બી.પી.એલ. કાર્ડધારક તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ નિઃશુલ્ક તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને શણના કાપડમાંથી વિવિધ ઉપયોગી અને આકર્ષક ઉત્પાદનો બનાવવાની કૌશલ્ય આધારિત તાલીમ આપવાનો હતો, જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરીને પોતાના પરિવારની આવકમાં વધારો કરી શકે. તાલીમ દરમિયાન બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જ્યુટ પ્રોડક્ટ બનાવવાની વિવિધ પદ્ધતિઓ, ડિઝાઇન અને માર્કેટિંગ અંગેની ઉપયોગી માહિતી મેળવી હતી.
સમાપન કાર્યક્રમમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટર શ્યામ નિવાસ, ફેકલ્ટી ઇશાનભાઈ, જયેશ ગોહિલ, આસિસ્ટન્ટ સમિકકુમાર લકુમ, દૃષ્ટીબેન, ડીએસટી વિલાસબેન સહિત સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત એસેસર એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસર મનીષા ગાજીપરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડાયરેક્ટરએ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે કૌશલ્ય આધારિત તાલીમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ સાધન છે. સાથે જ સ્વરોજગાર શરૂ કરવા માટે ઉપલબ્ધ વિવિધ લોન યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી આત્મવિશ્વાસ, ઉત્સાહ અને નવા વિચારો સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તાલીમાર્થી બહેનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ સાથે સમાપન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA