ખુટલી હિંદ એલ્યુમિનિયમ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો ભ્રામક: દાનહ પ્રશાસનનો ખુલાસો
સિલવાસા, 10 જૂન (હિ.સ.) : ખુટલી સ્થિત હિંદ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ગેરકાયદેસર રીતે એન.એ. (Non-Agricultural) મંજૂરી આપવામાં આવી હોવાના તથા માત્ર રૂ. 16,900ના દંડ દ્વારા બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને દાદરા અને ન
પ્રતિકાત્મક તસ્વીર


સિલવાસા, 10 જૂન (હિ.સ.) : ખુટલી સ્થિત હિંદ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ગેરકાયદેસર રીતે એન.એ. (Non-Agricultural) મંજૂરી આપવામાં આવી હોવાના તથા માત્ર રૂ. 16,900ના દંડ દ્વારા બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને દાદરા અને નગર હવેલી પ્રશાસને તથ્યવિહિન અને ભ્રામક ગણાવ્યા છે.

ખાનવેલ રેવન્યુ વિભાગ દ્વારા જણાવાયું છે કે સંબંધિત કંપનીને વર્ષ 2007માં જ એન.એ. પરવાનગી તેમજ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગ તરફથી બાંધકામ મંજૂરી મળી ચૂકી હતી. જોકે સમયસર ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) ન મેળવવાને કારણે બાંધકામ પરવાનગીની માન્યતા પૂર્ણ થઈ ગઈ હતી.

પ્રશાસનના જણાવ્યા મુજબ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ તથા નિયમિતીકરણની પ્રક્રિયા આગળ વધારવા માટે જમીનના ઉપયોગમાં ફેરફાર સંબંધિત કાર્યવાહી જરૂરી હોવાથી કંપનીએ એન.એ. ઉપયોગ મંજૂરી માટે અરજી કરી હતી. અરજી મળ્યા બાદ મામલો સંબંધિત વિભાગોને અભિપ્રાય માટે મોકલવામાં આવ્યો હતો અને તમામ વિભાગોએ પ્રસ્તાવને અનુકૂળ ભલામણ કરી હતી.

દાદરા અને નગર હવેલી લેન્ડ રેવન્યુ એડમિનિસ્ટ્રેશન રૂલ્સ, 1972ના નિયમ 51 અને 52 મુજબ સ્થળ નિરીક્ષણ બાદ બિનઅધિકૃત ઉપયોગ માટે રૂ. 16,900નું એન.એ. આકલન શુલ્ક નક્કી કરવામાં આવ્યું હતું. આ રકમ માત્ર જમીનના બિનકૃષિ ઉપયોગના આકલન માટે હતી, કોઈ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર ઠેરવવા માટે નહીં.

રેવન્યુ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની સત્તા તેની પાસે નથી. આવી કાર્યવાહી માત્ર જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ-2023 હેઠળ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) દ્વારા જ થઈ શકે છે.

પ્રશાસન મુજબ, તમામ વિભાગોના અહેવાલો પ્રાપ્ત થયા બાદ કલેક્ટરે કેટલીક શરતો સાથે એન.એ. અરજીને મંજૂરી આપી હતી. જોકે અરજદારે હજુ સુધી તમામ શરતોનું પાલન અને જરૂરી સનદ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. તેથી સંબંધિત જમીનનું એન.એ.માં રૂપાંતર પણ હજુ સુધી પૂર્ણ થયું નથી. ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરી દેવામાં આવ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે. પ્રશાસનની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહે તથા બાંધકામ સંબંધિત કોઈપણ નિયમભંગના મામલામાં યોગ્ય માર્ગદર્શન માટે ડી.એન.એચ.પી.ડી.એ.નો સંપર્ક કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande