વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઈકો કારની રિવર્સમાં આવી રહેલા બોલેરો સાથે ટક્કર, બાળકો સામે જ પિતા જીવતા સળગ્યા
વડોદરા,10 જૂન (હિ.સ.) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. રિવર્સમાં આવી રહેલી એક બોલેરો પિકઅપ ગાડી સાથે પાછળથી આવતી ઈકો કાર ધડાકાભેર અથડાઈતા બંને વાહનોમાં બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ઈકો
Eco car collides with Bolero coming in reverse on Vadodara-Ahmedabad Expressway


વડોદરા,10 જૂન (હિ.સ.) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. રિવર્સમાં આવી રહેલી એક બોલેરો પિકઅપ ગાડી સાથે પાછળથી આવતી ઈકો કાર ધડાકાભેર અથડાઈતા બંને વાહનોમાં બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ઈકો કારના 23 વર્ષીય ચાલક જગદીશ વાઘેલા સ્ટીયરિંગમાં ફસાઈ જતાં, તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને પોતાની પત્ની, માતા તથા ત્રણ માસૂમ બાળકોની નજર સામે જ જીવતા સળગી ગયા હતા.

આ ભયાનક અકસ્માતમાં પરિવારના અન્ય 5 સભ્યો પણ ગંભીર રીતે દાઝી ગયા છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીકઅપ વાહનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓમાં કારચાલક જીવતો સળગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં કારચાલક પોતાની માતા, પત્ની અને બાળકો સામે જ જીવતો સળગતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, આગળ જઈ રહેલી પીકઅપ વાનની પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ઇકો કારમાં તુરંત આગ ભભૂકી ઊઠી હતી.અકસ્માત બાદ ઇકો કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતાં તે આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો હતો.

આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

દરમિયાન, ભાદરવા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટુરા ગામના રહેવાસી અને હાલમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે રહેતા સવિતાબેન નાથાભાઈ પરમારે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી જકાબેન, જમાઈ જગદીશભાઈ સોમાભાઈ વાઘેલા, દીકરીના સાસુ અલ્લુબેન તથા ત્રણ સંતાનો ઇકો કાર લઈને પિલવાઈ ગામે મહેમાનગતિએ આવ્યા હતા.

9 જૂનના રોજ તમામ લોકો ઇકો કારમાં પિલવાઈથી વડોદરા આવવા નીકળ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતાં તેઓ ઇન્ડિયન પેટ્રોલ પંપ આગળ દિલ્હી-મુંબઈ હાઇવે તરફ જવાના કટ નજીક પહોંચ્યા હતા. તે દરમિયાન પીકઅપ બોલેરોનો ચાલક હાઇવેની પ્રથમ લેનમાં પૂરઝડપે રિવર્સમાં આવી રહ્યો હતો. પરિણામે ઇકો કાર પીકઅપના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત બાદ ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. સવિતાબેન, તેમની દીકરી જકાબેન, દીકરીના સાસુ અલ્લુબેન તથા ત્રણ સંતાનો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, કાર ચલાવી રહેલા જગદીશ સોમાભાઈ વાઘેલાનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં તેઓ બહાર નીકળી શક્યા નહોતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેઓ કાર સાથે જ સળગી ગયા હતા અને પરિવારની સામે જ તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં સવિતાબેનને જમણા પગના ઘૂંટણના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. જકાબેનના બંને પગ દાઝી ગયા હતા, જ્યારે અલ્લુબેન સોમાભાઈ વાઘેલાને જમણા હાથ અને જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણ સંતાનોમાંથી રેશ્માબેનને મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી.

ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક જગદીશભાઈ વાઘેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે ભાદરવા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande