
જામનગર, 10 જૂન (હિ.સ.) જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર પીજીવીસીએલની ટીમે દરોડા દરમિયાન મોટી વીજચોરી ઝડપી પાડી છે. આ મામલે એક બિલ્ડર સામે વીજચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, પીજીવીસીએલના નાયબ ઇજનેરએ નોંધાવેલી ફરિયાદના આધારે વ્રજ વિહાર સોસાયટી પાછળ, કુબેર પાર્ક, શ્લોક હાર્મોની તથા પટેલ બિલ્ડકોનના બાંધકામ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર પીજીવીસીએલનું કોઈ કાયદેસર વીજ જોડાણ ન હોવા છતાં નજીકના ટ્રાન્સફોર્મરના સ્ટડ સાથે બિનઅધિકૃત રીતે જોડાણ કરી વીજ પુરવઠો મેળવી બાંધકામ કાર્યમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.તપાસમાં પાર્થ નંદલાલ સંઘાણી દ્વારા બિનઅધિકૃત રીતે વીજળીનો ઉપયોગ કરીને વાણિજ્ય હેતુસર ચાલી રહેલા બાંધકામ કાર્યમાં વીજચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા આંકલન મુજબ કુલ રૂ.20,73,393.87 ની વીજચોરી થઈ હોવાનું નોંધાયું છે. ઉપરાંત રૂ.20,000નો કમ્પાઉન્ડિંગ ચાર્જ પણ ફટકારવામાં આવ્યો છે. આ બનાવ અંગે વિજ પોલીસ સ્ટેશનમાં વીજ અધિનિયમ-2003ની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને વિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt