
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકો તંદુરસ્ત અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવી શકે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા પાંચ વિસ્તારોમાં અત્યાધુનિક સુવિધાયુક્ત યોગ સ્ટુડિયો સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહીશોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ દૈનિક ધોરણે યોગને જીવનનો હિસ્સો બનાવે તે માટે આ તમામ સેન્ટરો પર હાલ તદ્દન મફત એટલે કે નિઃશુલ્ક યોગ તાલીમની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેનો સેંકડો નાગરિકો નિયમિત લાભ મેળવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ તમામ યોગ સ્ટુડિયોમાં નાગરિકોને આસન અને પ્રાણાયામનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમણૂક પામેલા અનુભવી અને નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
શહેરીજનોની સુખાકારી માટે કુડાસણ, સેક્ટર-૧ અને સેક્ટર-૨૨ ખાતે આ અદ્યતન યોગ સ્ટુડિયો અગાઉથી જ નિયમિત રૂપે ચાલી રહ્યા છે, જેમાં ઉમેરો કરીને તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સરગાસણ તેમજ સેક્ટર-૨૫ ખાતે નવા યોગ સ્ટુડિયોનું લોકાર્પણ કરી તેને નાગરિકો માટે કાર્યરત કરવામાં આવ્યા છે. નોકરીયાત વર્ગ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો પોતાની દિનચર્યામાંથી સમય અનુકૂળ કરી શકે તે માટે યોગ તાલીમનો સમય સવારે ૬:૩૦ વાગ્યાથી ૧૦:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૪:૦૦ વાગ્યાથી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ તમામ યોગ સ્ટુડિયોમાં નાગરિકો શાંતિપૂર્વક ધ્યાન અને યોગ કરી શકે તે માટે આસપાસનું વાતાવરણ શાંત રાખવામાં આવ્યું છે અને તમામ સેન્ટરો પર યોગ કરવા માટે અત્યંત સુવ્યવસ્થિત અને વિશાળ હોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ તમામ યોગ સ્ટુડિયોમાં નાગરિકોની સગવડ માટે પીવાના પાણી માટે આરો (RO) ની સુવિધા, ચેન્જિંગ રૂમ, સામાન રાખવા માટે લોકરની વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય અને યોગા મેટ મૂકવા માટેની સુનિશ્ચિત જગ્યા જેવી જરૂરી સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહાનગરપાલિકાના આ સ્વાસ્થ્યલક્ષી પ્રયાસનો ભાગ બનવા અને નિઃશુલ્ક સેવાઓનો લાભ લેવા માટે ગાંધીનગરના રસ ધરાવતા નાગરિકોએ નજીકના યોગ સ્ટુડિયોની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. કેન્દ્ર પર ઉપસ્થિત યોગ શિક્ષકનો સંપર્ક સાધીને નાગરિકોએ સરળતાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા રૂબરૂમાં જ પૂર્ણ કરવાની રહેશે, ત્યારબાદ નિયમિત બેચ અનુસાર તેમને પ્રવેશ આપીને યોગાભ્યાસ શરૂ કરાવવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના તમામ રહીશોને આ સુવ્યવસ્થિત સેન્ટરો પર પધારીને આ સરકારી સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ