
નવસારી, 10 જૂન (હિ.સ.): નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરતાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. ચીખલી તાલુકાના બલવાડા ગામ નજીક હાઈવે નંબર-48 પર એક કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટાટા કન્ટેનરમાંથી પાસ-પરમિટ વિના લઈ જવાતી ભારતીય બનાવટની વિદેશી દારૂ (વ્હિસ્કી)ની કુલ 8,256 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹48.43 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત કન્ટેનર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹58.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં કન્ટેનર ચલાવતા શ્રીકૃષ્ણા ઉર્ફે દિનેશ નેતાજી શ્રીરંગ સોમવંશીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સતીષ તેમજ કન્ટેનરના માલિક સહિત અન્ય સંડોવાયેલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે