
ગીર સોમનાથ, 10 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે સોમનાથ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સોમનાથ મંદિરના પાછળના ભાગે નવા સર્કિટ હાઉસની સામેના દરિયાઈ બીચ ખાતે આ સ્વચ્છતા અભિયાનમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત હોદ્દેદારો અને નાગરિકો સાથે શ્રમદાન કરી અને ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશો આપ્યો હતો.
મંત્રીએ હાથમાં ઝાડૂ લઈ દરિયાઈ બીચ પર પ્લાસ્ટિક, વેફરના પડીકા, નકામા કાગળ સહિતનો કચરો સાફ કરી ઉત્સાહપૂર્વક શ્રમદાન કરીને જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ સફાઈ અભિયાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, મહેન્દ્રભાઈ પીઠિયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, ભાવનાબહેન હીરપરા, અનિલભાઈ જેઠવા સહિતના સામાજિક-રાજકીય અગ્રણીઓ અને નાગરિકો સહભાગી બન્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ