
ગીર સોમનાથ, 10 જૂન (હિ.સ.) : ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે શહેરના વિવિધ સ્થળોએ આઈ.ઈ.સી (Information, Education and Communication) કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ક્ષયરોગ (ટી.બી.) અંગે જાગૃતિ લાવવા માટે ટી.બી.ના લક્ષણો, સમયસર નિદાન, સંપૂર્ણ સારવાર તથા ટી.બી.થી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે સફાઈ કર્મચારીઓને ટી.બી. મુક્ત ભારત અભિયાનના સંદેશા સાથે ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી-શર્ટ અને ટોપીના માધ્યમથી ટી.બી. અંગે જનજાગૃતિનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે.
આ અંગે જિલ્લા ક્ષય અધિકારી શીતલ રામે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને ટી.બી.ના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવા તેમજ સારવાર પૂર્ણ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે સરકાર દ્વારા ઉપલબ્ધ મફત તપાસ, સારવાર અને નિક્ષય પોષણ યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટી.બી અંગે જનજાગૃતિ વધારવાનો અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સમાજના દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
આ તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ