
ભાવનગર,10 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે રહેતા હિંમતભાઈએ પોતાના અથાગ પરિશ્રમ અને દૃઢ સંકલ્પના બળે પશુપાલન ક્ષેત્રમાં સફળતાની અનોખી ગાથા રચી છે. એક સમયે તેમના પરિવાર પર આર્થિક સંકટના વાદળો છવાઈ ગયા હતા. તેમના દીકરાને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનામાં નુકસાન જતાં પરિવારની આવક પર અસર પડી હતી અને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમતભાઈએ હિંમત હાર્યા વિના પશુપાલન ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો.
શરૂઆતમાં તેમણે માત્ર ચાર ભેંસો સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. પશુઓની યોગ્ય સંભાળ, સમયસર ચારો-પાણી અને આરોગ્યની કાળજી રાખતા ધીમે ધીમે તેમના પશુધનની સંખ્યા વધતી ગઈ. આજે તેમના પાસે નાના-મોટા મળીને આશરે 25 જેટલા પશુઓ છે. સતત મહેનત અને પશુપાલન પ્રત્યેની લગનના કારણે તેઓ આજે આ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.
હાલમાં તેમના પશુઓમાંથી દરરોજ અંદાજે 60 લિટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે. આ દૂધનું સીધું વેચાણ ગ્રાહકો સુધી કરવામાં આવે છે, જેના કારણે તેમને યોગ્ય ભાવ પણ મળી રહે છે. દૂધના વેચાણમાંથી રોજના અંદાજે 4,000 થી 5,000 રૂપિયા સુધીની આવક થાય છે. આ રીતે માસિક ધોરણે લગભગ 1.50 લાખ રૂપિયા સુધીનું દૂધ વેચાણ થઈ રહ્યું છે, જે તેમના પરિવાર માટે આર્થિક સ્થિરતાનો મજબૂત આધાર બન્યું છે.
હિંમતભાઈ જણાવે છે કે પશુપાલન માત્ર વ્યવસાય જ નહીં પરંતુ સતત દેખરેખ અને મહેનત માંગતું ક્ષેત્ર છે. પશુઓના આરોગ્ય, સ્વચ્છતા અને પોષણની યોગ્ય કાળજી રાખવાથી દૂધ ઉત્પાદન વધે છે અને આવકમાં પણ વધારો થાય છે. તેઓ પોતાના અનુભવના આધારે અન્ય ખેડૂતો અને યુવાનોને પણ પશુપાલન અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
આજે હિંમતભાઈની સફળતા આસપાસના ગામોના ખેડૂતો અને પશુપાલકો માટે પ્રેરણારૂપ બની છે. ચાર ભેંસોથી શરૂ કરેલો તેમનો સફર આજે 25 પશુઓ સુધી પહોંચ્યો છે અને તેમણે સાબિત કરી બતાવ્યું છે કે યોગ્ય આયોજન, મહેનત અને ધીરજથી કોઈપણ વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવી આત્મનિર્ભર બની શકે છે. મેસણકા ગામના હિંમતભાઈની આ સફળતા ગ્રામ્ય અર્થતંત્રમાં પશુપાલન ક્ષેત્રના વધતા મહત્વને પણ ઉજાગર કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA