
અમદાવાદ,10 જૂન (હિ.સ.) રેલ મંત્રાલયના નિર્દેશ અનુસાર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 07 જૂન 2026થી 09 જૂન 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ દિવસ (ILCAD)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને સમપાર ફાટકો (લેવલ ક્રોસિંગ) સુરક્ષિત રીતે પાર કરવા અંગે જાગૃત કરવાનો તથા અકસ્માતોની રોકથામ માટે સાવધાન રહેવાનું મહત્વ સમજાવવાનો હતો.
આ પ્રસંગે સંરક્ષા વિભાગના વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી, સહાયક મંડળ સંરક્ષા અધિકારી તથા સંરક્ષા સલાહકારોના નેતૃત્વ હેઠળ વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું.
અભિયાન અંતર્ગત 07 જૂને અસારવા–હિંમતનગર ખંડના સમપાર ફાટક ક્રમાંક 6 અને 10, 08 જૂને અમદાવાદ–ગેરતપુર ખંડના સમપાર ફાટક ક્રમાંક 305 અને 308 તથા 09 જૂને અમદાવાદ–પાલનપુર ખંડના સમપાર ફાટક ક્રમાંક 240 તેમજ અમદાવાદ–વીરમગામ ખંડના સમપાર ફાટક ક્રમાંક 7 પર વિશેષ કાર્યક્રમો યોજાયા.
આ સ્થળોએ આવન-જાવન કરતા નાગરિકો અને વાહનચાલકોને સમપાર ફાટકો પર રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. સુરક્ષા સંબંધિત બેનરો લગાવવામાં આવ્યા તેમજ જનસામાન્યને હેન્ડ પેમ્ફલેટોનું વિતરણ કરવામાં આવ્યું. લોકોને અસરકારક રીતે જાગૃત કરવા માટે પસંદ કરાયેલા તમામ સમપાર ફાટકો પર નુક્કડ નાટકોનું પણ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમોમાં સુરક્ષા વિભાગ ઉપરાંત અન્ય વિભાગોના સુપરવાઇઝરોની પણ સક્રિય ભાગીદારી રહી.
આ ઉપરાંત અમદાવાદ મંડળના તમામ ખંડના સમપાર ફાટકો પર સંબંધિત વિભાગીય એન્જિનિયર તથા ટ્રાફિક નિરીક્ષકો દ્વારા પણ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમો યોજાયા. સમપાર ફાટકો પર સુરક્ષા સંબંધિત બેનરો લગાવવામાં આવ્યા, નાગરિકો અને વાહનચાલકોને હેન્ડ પેમ્ફલેટોનું વિતરણ કરવામાં આવ્યું તથા નુક્કડ નાટકો દ્વારા સુરક્ષિત વર્તન અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો રેલવે સમપાર ફાટકોના સુરક્ષિત સંચાલન તથા રેલવે ક્રોસિંગ પર સલામતી અને સજાગતાને પ્રોત્સાહન આપવા માટે અસરકારક પ્રયાસ છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ નાગરિકોને અપીલ કરે છે કે, તેઓ સમપાર ફાટકો પાર કરતી વખતે નિર્ધારિત નિયમોનું પાલન કરે અને પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ